ગુજરાતની નીચલી અદાલતોમાં ચોથી ઓગસ્ટથી ફિઝિકલ ફાઇલિંગ શરૂ થશે
- ગુજરાત હાઇકોર્ટે માર્ગદર્શિકા જારી કરી
- ફાઇલિંગ માટે અલાયદા રૂમ બનાવવા આદેશ : 24 કલાક બાદ દસ્તાવેજોનું કવર ખોલવામાં આવશે
અમદાવાદ, તા. 27 જુલાઇ, 2020, સોમવાર
રાજ્યની નીચલી અદાલતોમાં ચોથી ઓગસ્ટથી કેસના દસ્તાવેજોનું ફિઝીકલ ફાઇલિંગ કરવાનો આદેશ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ દ્વારા કરવામાં આવ્યો છે.
ફિઝીકલ ફાઇલિંગ માટેની માર્ગદર્શિકા જારી કરી અન્ય જરૂરી નિયમો બનાવવાનો આદેશ નીચલી અદાલતોના પ્રિન્સિપાલ જ્યુડિશીયલ ઓફિસરોને આપવામાં આવ્યો છે. જો કે માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવેલી કોર્ટોને પહેલાં મુજબ ઇ-ફાઇલિંગ દ્વારા જ કામગીરી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
હાઇકોર્ટે જારી કરેલી માર્ગદર્શિકામાં તાબાની અદાલતોના પ્રિન્સિપાલ જ્યુડિશિયલ ઓફિસરોને આદેશ આપવામાં આવ્યો છે કે ફિઝીકલ ફાઇલિંગ માટે આવેલા દસ્તાવેજોના કવરને 24 કલાક માટે એક કેબિનેટ કે કબાટમાં રાખવામાંઆવશે. 24 કલાનો સમયગાળી વીતી ગયા બાદ આ કવર ખોલી તેમાં રહેલા દસ્તાવેજો ફાઇલિંગ, ચકાસણી અને નોંધણી માટે મોકલવામાં આવશે.
પ્રિન્સિપાલ જ્યુડિશિયલ ઓફિસર દ્વારા નક્કી કરવામાં આવેના નિયમોના આધારે વકીલો અને પક્ષકારોને ક્રમાનુસાર કોર્ટ સંકુલમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે અને તેમણે માસ્ક પહેરવંવ ફરજીયાત રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ પાલન કરવાનું રહેશે.
આ ઉપરાંત દસ્તાવેજોના કવર પર અને અંદર કેસને લગતી તમામ માહિતી આપવાની રહેશે, જેથી ફાઇલિંગ દરમિયાન કોઇ પ્રશ્નો ઉભા ન થાય. ફાઇલ થયેલી મેટરનું રજિસ્ટ્રેશન યોગ્ય સમયમર્યાદામાં થાય તેવો ઉદ્દેશ જળવાઇ રહે તેમજ ઓછોમાં ઓછા કોર્ટ સ્ટાફથી કામગીરી થાય તેવી વ્યવસ્થા ગોઠવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.