પાળતુ શ્વાનને પણ નિયમિત રીતે સેનેટાઇઝ કરવા જરૂરી
- હોંગકોંગમાં શ્વાનને કોરોના થયાના 2 કેસ નોંધાયા છે
શ્વાન બહારથી આવીને ઘરમાં પ્રવેશે તે અગાઉ તેના પગને સાફ કરવા ખૂબ જ જરૃરી : ડોક્ટરોનો મત
અમદાવાદ,મંગળવાર
તમારી પાસે પાળતુ
કૂતરો હોય તો તેને કોરોના થવાની સંભાવના ઓછી છે. પરંતુ તકેદારીના ભાગરૃપે તમે તમારા
કૂતરાને જ્યારે પણ બહાર લઇ જાવ ત્યારે તેને યોગ્ય રીતે સેનેટાઇઝ કરવા જોઇએ તેવું વેટરનરી
ડોક્ટરોનું માનવું છે.
વર્લ્ડ હેલ્થ
ઓર્ગેનાઇઝેશન દ્વારા થોડા સમય અગાઉ એવું નિવેદન જારી કરાયું હતું કે તમારી પાસેના પાળતુ
શ્વાન કે બિલાડીને કોરોના થવાની કોઇ સંભાવના નથી. પરંતુ હોંગકોંગમાં શ્વાનને કોરોના
થયાનું પુરવાર થતાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને પોતાના અગાઉના નિવેદન મામલે યુ-ટર્ન
લેવો પડયો છે. હવે તેમના દ્વારા એવી સલાહ આપવામાં આવી છે કે પાળતુ પ્રાણી કોરોનાગ્રસ્ત
વ્યક્તિના સંપર્કમાં આવે તો તેને પણ કોરોના થવાની સંભાવના નકારી શકાય નહીં.
આ અંગે અમદાવાદનાં
વેટરનરી ડો. ટિના ગીરીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, 'પાળતુ શ્વાનને કોરોના થાય
તેની સંભાવના ૧ લાખમાંથી ૧ કિસ્સાની છે. તાજેતરમાં વાઘને કોરોના થયાનો કેસ સામે આવ્યો
છે. પરંતુ વાઘ-કૂતરા અને બિલાડીની પ્રજાતિઓ તદ્દન અલગ છે. જોકે, શ્વાનને કારણે તમારા
ઘરમાં પગપેસારો થાય તેની તકેદારી રાખવી પણ અત્યંત જરૃરી છે. શ્વાનને દિવસ દરમિયાન બહાર
લઇ જાવ ત્યારે તે જમીન પર ક્યાંય પણ પોતાનું મોઢું લગાવે નહીં તેનું ખાસ ધ્યાન રાખો.
આ ઉપરાંત જેવી રીતે આપણે બહારથી આવી હાથ-પગ મોઢું ધોઇએ છીએ તેમ શ્વાન પણ બહારથી આવે
તો તેને પણ સેનેટાઇઝ કરવા ખૂબ જરૃરી છે. ' જોકે, હાલની લોકડાઉનની સ્થિતિમાં પાળતુ શ્વાનને ફરાવવા લઇ જવાને
લઇને પણ તેના માલિકો દ્વિધા અનુભવી રહ્યા છે.