કોરોના સામેનો જંગ : સમગ્ર ગુજરાત 9 કલાકે 9 મિનિટ સુધી 'જ્યોર્તિમય' બન્યું
-ચૈત્ર માસમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો
- અનેક વિસ્તારો આતશબાજી-શંખનાદથી ગૂંજી ઉઠયા
અમદાવાદ, રવિવાર
ઘાતક વાયરસ કોરોનાના
અંધકારની સામે લડવા માટે પ્રકાશ ફેલાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા આહ્વાનને
ગુજરાતના નાના ગામથી માંડીને શહેરોમાં જબરદસ્ત પ્રતિસાદ સાંપડયો હતો. સમગ્ર દેશ આ સમયે
એક મહાજંગ લડી રહ્યો છે ત્યારે લોકડાઉનના ૧૨મા દિવસે ગુજરાતની સાંકડી ગલીથી માંડીને
મોટી ઈમારતો દીપ, મીણબત્તી, દિવડાથી ઝગમગી ઉઠતા ચૈત્ર માસમાં જ 'દિવાળી' જેવો માહોલ
જોવા મળ્યો હતો. અનેક વિસ્તારોમાં આતશબાજી થઇ હતી જ્યારે કેટલાક વિસ્તારો 'ભારત માતા
કી જય', 'શંખનાદ'થી ગૂંજી ઉઠયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાત્રે ૯ કલાકે ૯ મિનિટ સુધી લાઇટો બંધ કરીને પોતાના ઘરોના દરવાજા અથવા બાલ્કની પર દીપ પ્રગટાવવા અથવા ટોર્ચનો પ્રકાશ કરવા કે મોબાઇલ ફ્લેશલાઇટ કરવાનું આહ્વાન કર્યું હતું. જેના ભાગરૃપે અમદાવાદમાં રાત્રે ૯ના ટકોરે જ લોકોએ ઘરની લાઇટો બંધ કરી બાલ્કની, ઘરની બહાર, ટેરેસ, સોસાયટી કોમન પ્લોટમાં દીપ, મીણબત્તી પ્રકટાવી દીધી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર દીપ પ્રકટાવવા અપીલ
કરી હતી. પરંતુ કેટલાક 'ઉત્સાહીઓ' ફરી એક વખત આ આદેશને ઘોળીને પી ગયા હતા અને આતશબાજી
કરી હતી. અનેક સોસાયટી-શેરીઓ ફટાકડાના અવાજથી ગૂંજી ઉઠી હતી. ગુજરાતના અનેક મંદિરોમાં
પણ સેંકડો દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. આમ,
દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદના કેટલાક વિસ્તારમાં લોકોએ શંખનાદ પણ કર્યો
હતો. બીજી તરફ અમદાવાદના કોટ વિસ્તારમાં કેટલાક મુસ્લિમ બિરાદરોએ ધાબા પરથી અઝાન પોકારી
હતી તો કેટલાકે 'અલ્લાહુ અકબર'ના નારા પણ લગાવ્યા હતા.
બીજી તરફ ગુજરાતના
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૃપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ
દીવડાઓ પ્રગટાવી વડાપ્રધાનના આહવાનમાં સામેલ થયા હતા. નીતિન પટેલે જણાવ્યું કે, 'કોરોનારૃપી
અંધકારને પ્રકાશ દ્વારા હરાવી આપણો દેશ એક છે તેની વિશ્વને પ્રતીતિ કરાવવાનું આ એકતારૃપી
પ્રતિક છે.
વડાપ્રધાનના એક કોલે સમગ્ર દેશ કોરોના અંધકારના ઓળાને પ્રકાશના પ્રસરણ દ્વારા
નિરસ્ત કરવા દેખાડેલી એકતાએ વિશ્વને ભારતની એકતાના દર્શન કરાવ્યા છે. ' રાજ્યપાલ આચાર્ય
દેવવ્રતે કોરોના સંક્રમણ સામે દેશની લડાઇમાં સહયોગી થવાના નિર્ધાર સાથે પોતાના વેતનનો
૩૦ ટકા હિસ્સો એક વર્ષ સુધી સરકારને અર્પણ કરવાનો આ તકે સંકલ્પ કર્યો હતો.