પાણીની લાઈનમાં સાંકરદા પાસે ભંગાણ થતા ૩.૫ લાખ લોકોને પાણી ન મળ્યું
૫૦ વર્ષ જૂની લાઈનમાં ભંગાણઃ ૩૦ કરોડના ખર્ચે નવી લાઈન સાથે આજે જોડાણ કરાશે
વડોદરા,તા. 27 જાન્યુઆરી 2020, સોમવાર
વડોદરા મ્યુનિ.કોર્પોરેશનના મહી નદી ખાતેના ફ્રેન્ચ કુવાઓ પૈકી ફાજલપુર કુવાથી પાણીની વર્ષો જુની લાઈનમાં ગાબડુ પડતાં પાણીની રેલમછેલ થઈ હતી અને હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. જેના લીધે આશરે સાડા ત્રણ લાખ લોકોને અસર થઈ હતી.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ મીની નદીના પૂલ પાસે ૩૬ ઈંચ ડાયામીટરની સાંકરદા ગામ તરફ જતી પાણીની લાઈન ૫૦ વર્ષ જુની છે. આ લાઈન પર અગાઉ ચાર પાંચ વખત ભંગાણ પડી ચૂક્યું છે.
આ લાઈન જર્જરિત હોવાથી તેની બાજુમાં જ રૃા.૩૦ કરોડના ખર્ચે નવી લાઈન નાખવામાં આવી છે. જો કે આ લાઈનનું જોડાણ બાકી છે. ફાજલપુરથી વડોદરા આવતી આ લાઈનનું વેલ્ડીંગ કરીને જોડાણ કરી દેવાની કામગીરી મંગળવારે હાથ ધરાશે. અને પાણી વિતરણ ચાલુ કરવામાં આવશે. જ્યારે ૮ મીટર જેટલો જર્જરિત લાઈનનો ભાગ છે તેનું રિપેરિંગ હાથ ધરવામાં આવશે.
આજે સવારના ઝોનમાં છેલ્લે પાણી વિતરણમાં ભંગાણથી તકલીફ પડી હતી. આ ભંગાણને લીધે પાંચ ટાંકી છાણી, ટીપી-૧૩, સયાજીબાગ, મકરપુરા અને જેલ ટાંકી તેમજ એરપોર્ટ, બકરાવાડી અને વારસિયા આ ત્રણ બુસ્ટર હેઠળના વિસ્તારમાં સાડા ત્રણ લાખ લોકોને તકલીફ પડી હતી. આવતીકાલે રિપેરીંગ બાદ પાણીની તકલીફ નહી રહે તેમ કોર્પોરેશનનું કહેવું છે.