વડોદરામાં ડભોઇ નજીક ચાલક લઘુ શંકા માટે ઉતર્યો, મુસાફર રિક્ષા લઈ ફરાર
image : Freepik
વડોદરા,તા.19 ઓક્ટોબર 2023,ગુરૂવાર
વડોદરા જિલ્લામાં વાહન ચોરીના બે બનાવ નોંધાયા છે. જેમાં ડભોઇની શિનોર ચોકડીથી આગળ ચાલક લઘુ શંકા માટે ઉતર્યો હતો. દરમિયાન મુસાફર રિક્ષા લઈને ફરાર થઈ ગયો હતો. એ જ રીતે સાવલી ચામુંડા કોમ્પ્લેક્સ નજીકથી બાઈકની ઉઠાંતરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.
પ્રથમ બનાવની મળતી વિગત મુજબ મૂળ પાટણ જિલ્લાના અને હાલ વડોદરા તાલુકાના ખટંબા ગામે વિરાજ એસ્ટેટની બાજુમાં રહેતા અજમલ ઠાકોર ઉંમર 61 પોતાની રિક્ષા લઈને 11 તારીખે રાત્રે અઢી વાગે ડભોઇની શિનોર ચોકડીથી થરવાસા ચોકડી તરફ જઈ રહ્યા હતા. અજમલે લઘુ શંકા માટે રિક્ષા રોકી હતી. તેઓ નીચે ઉતર્યા તે દરમિયાન રિક્ષામાં બેસેલા 50 વર્ષની અંદાજે ઉંમરના એક અજાણ્યો મુસાફર તેમનું ધ્યાન ચૂકવી રિક્ષા લઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
મળતી વિગત મુજબ મૂળ અમદાવાદના અને હાલ સાવલી ચામુંડા કોમ્પ્લેક્સમાં ભાડેથી રહેતા ગીરજાશંકર તિવારી એ સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત 10મી તારીખે તેઓ બપોરે ત્રણ વાગ્યે પોતાના ઘરે આવ્યા હતા. અને બાઇક ઘર નજીક પાર્ક કરી હતી. જે બીજા દિવસે સવારે 11 વાગ્યે જોવા નહીં મળતા કંપનીના માણસ લઈ ગયા હશે તેમ માની શોધ મોડી કરી હતી. પરંતુ નહીં મળતા છેવટે બાઈકની ઉઠાંતરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.