વસ્ત્રાલના ઓર્થો સર્જન ડૉ. કનુ પટેલે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું
મનોરોગી યુવતીનો ડૉકટરે ગેરલાભ ઉઠાવ્યો
ચલ તને માનસિક રોગના ડૉક્ટર પાસે લઇ જઉ કહી ભરમાવી યુવતીને હોટલમાં લઇ ગયો હતો
અમદાવાદ,બુધવાર
વસ્ત્રાલમાં ગુજરાત નામની હોસ્પિટલ ધરાવતા ઓર્થોેપેડીક સર્જન ડૉક્ટર કનું પટેલે મનોરોગી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના અંગે મહિલા પોલીસે ડૉક્ટર સામે ગુનો નોધી અટકાયત કરીને ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી ૪૨ વર્ષીય ફ્રિલાન્સ જર્નાલિસ્ટ યુવતીને છેલ્લા ૨૦ વર્ષથી માનસિક તકલીફ હતી. જેની સારવાર હેમાંગ પટેલ પાસે ચાલતી હતી. તે પછી યુવતી વસ્ત્રાલ વૃંદાવન પામ ખાતે રહેતા અને વસ્ત્રાલ રોડ, રબારી કોલોની ચાર રસ્તા પાસે રેવાભાઇ શોપિંગ સેન્ટરમાં ગુજરાત હોસ્પિટલ ધરાવતા ડૉક્ટર કનુંભાઇ જોઇતારામ પટેલ (ઉ.વ.૪૯)ના સંપર્કમાં આવી હતી.
ત્યારબાદ ડૉ. કનુ પટેલે યુવતીને પોતાના મિત્ર એમ.ડી સાઇકિયાટ્રિક ડૉક્ટરનું દવાખાનંુ નરોડા ખાતે છે તેમના ત્યાં લઇ જઇને સસ્તામાં સારવાર કરાવી આપવાની વાત કરી હતી.એટલું જ નહી પત્ની સાથે અણ બાનવ બનેલ છે જેથી મારે તેની સાથે છૂટાછેડા લેવાના છે, હુ તને જીવનભર સાથ સહકાર આપીશ તેમ કહીને લગ્ન કરવાની વાત કરી હતી ત્યારબાદ સોશિયલ મિડિયા ઉપર મેસેજ કરીને ભરોસો આપ્યો હતો.
ગત તા. ૧૮-૦૬-૨૦ના રોજ નરોડા ડૉક્ટરના ત્યાં લઇ જવાનું કહીને ગેલેક્સી સિનેમા પાસે આવેલી એક હોટલમાં લઇ જઇને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે યુવતીએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ડોક્ટર કનું પટેલ સામે ગુનો નોધાવતાં પોલીસે આરોેપીની ધરપકડ કરવા કોરોના ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી છે.