પાણી કમિટીમાં અધિકારીઓને આદેશ, અમદાવાદમાં વરસાદી પાણી લાંબા સમય સુધી કેમ રહ્યા ?જવાબ આપો
કેટલાક વિસ્તારમાં તો પાંચથી છ દિવસ બાદ વરસાદી પાણી ઓસર્યા હતા
અમદાવાદ, શુક્રવાર, 5 ઓગસ્ટ,2022
અમદાવાદમાં મોન્સુન કામગીરી પાછળ કરોડોની રકમ ખર્ચ કરવામાં
આવ્યા બાદ પણ શહેરનાં અનેક નિચાણવાળા વિસ્તારમાં લાંબા સમય સુધી વરસાદી પાણી
ઓસર્યા નહોતા.આ બાબતને લઈ પાણી કમિટીની બેઠકમાં અધિકારીઓનો ઉધડો લઈ કમિટીની આગામી
બેઠકમાં લેખિતમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
પાણી કમિટીની બેઠક બાદ ચેરમેન જતીન પટેલે પ્રતિક્રીયા આપતા
કહયુ,શહેરમાં
૧૦ અને ૧૧ જુલાઈના રોજ પડેલા ભારે વરસાદ બાદ વસ્ત્રાલ ઉપરાંત નિકોલ, નરોડા, સૈજપુર ઉપરાંત
બાપુનગર,ઓઢવ તેમજ
શાંતિપુરા ચોકડી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.આ પૈકી કેટલાક
વિસ્તાર તો એવા હતા કે જયાં વરસાદી પાણીના નિકાલમાં પાંચથી છ દિવસથી પણ વધુનો સમય
લાગ્યો હતો.કમિટીમાં દરેક ઝોનના એડીશનલ સિટી ઈજનેર અને અન્ય જવાબદાર અધિકારીઓનો આ
સંદર્ભમાં જવાબ માંગવામાં આવ્યો હતો.
કરોડોની રકમ જયારે મોન્સુન કામગીરી પાછળ મ્યુનિસિપલ
કોર્પોરેશન તરફથી ખર્ચ કરવામાં આવી હોય.આમ છતાં અલગ અલગ વોર્ડ અને તેના
વિસ્તારોમાં વરસાદ બંધ થયા બાદ પણ વરસાદી પાણીનો નિકાલ તંત્ર ના કરી શકે?ઘણાં સ્થળોએથી
ડ્રેનેજને લગતી ફરિયાદો પણ મળી હતી.આ પરિસ્થિતિ કયા કારણથી સર્જાઈ?કેમ કામગીરી
કરવામાં વિલંબ થયો એ સહિતના તમામ મુદ્દાઓ ઉપર એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરી
અધિકારીઓને આગામી કમિટીમાં રજૂ કરવા કહેવામાં આવ્યુ છે.સિંગરવા પાસે નવો સુએઝ
ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા જગ્યા શોધી પ્લાનિંગ કરવા અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઈ
હતી.