Gujarat

ગુજરાતમાં 23,054 વોન્ટેડમાંથી ડ્રાઈવમાં માત્ર 429 આરોપી પકડાયા

By GS Team
15 Mar 20222 mins read
This article was originally published on 15 Mar 2022
ગુજરાતમાં 23,054 વોન્ટેડમાંથી ડ્રાઈવમાં માત્ર 429 આરોપી પકડાયા

પોલીસની મોટી પરેશાની ફરાર આરોપીઓની વધતી સંખ્યા

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 8 હજારથી વધુ આરોપી પોલીસ પકડથી દૂર, એક માસમાં  માત્ર 44  પકડાયા

અમદાવાદ : ગુજરાતમાં પોલીસ માટે મોટી પરેશાની ફરાર આરોપીઓની વધતી જતી સંખ્યા છે. જાન્યુઆરી 2022 સુધી રાજ્યમાં કુલ 23054 આરોપીઓની સંખ્યા થઈ જેની સામે માત્ર 429 આરોપીઓને પોલીસ પકડી શકી હતી.

પોલીસ દ્વારા આરોપી પકડવા ખાસ ઝૂંબેશ ચલાવાય છે પણ ખૂબ ઓછા પ્રમાણમાં પકડાય છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા આ ચાર શહેરમાં જાન્યુ,2022 સુધીમાં 8 હજારથી વધુ આરોપીઓ પોલીસ પકડથી દૂર રહ્યા હતા. એક મહિનામાં ચાર શહેરની પોલીસ માત્ર 44 વોન્ટેડ આરોપીઓને પકડી શકી હતી.

રાજ્યમાં દર વર્ષ વોન્ટેડ આરોપીઓની સંખ્યામાં ઉત્તરોઉત્તર વધારો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 2020માં 21941 આરોપીઓ ફરાર હોવાનો આંકડો વધીને 23054 પર પહોંચી ગયો હતો. રાજ્ય પોલીસ વડા દ્વારા અવારનવાર વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા માટે એક માસની ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે.

જો કે, આ ડ્રાઈવ દરમિયાન પણ આરોપીઓને પકડવામાં પોલીસને 40 ટકા જેટલી સફળતા મળે છે. 2022ના જાન્યુઆરી માસમાં સમગ્ર રાજ્યમાં પોલીસ માત્ર 429 આરોપીઓને પકડી શકી હતી. જેમાં સૌથી વધુ આરોપીઓને ઝડપી લેવામાં મહેસાણા એ 77, દાહોદે 53 અને બનાસકાંઠા પોલીસે 50 આરોપીઓને ઝડપી લીધા હતા.

આ ત્રણ જીલ્લાઓમાં 3048 જેટલા આરોપીઓ વોન્ટેડ હોવાનું અને જેની સામે 180 આરોપીઓને પોલીસ પકડી શકી હતી.  અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં પોલીસનું બાતમીદારોનું નેટવર્ક નબળું પડતા માત્ર ચાર શહેરોમાં 44 વોન્ટેડ આરોપી પકડાયા હતા.

ખેડા-નડીયાદ, આણંદ, સુરેન્દ્રનગર, દેવભૂમી દ્વારકા, ગીર-સોમનાથ, બોટાદ આ છ જીલ્લા અને પશ્રીમ રેલવે અમદાવાદ અને વડોદરા પોલીસ ડ્રાઈવ દરમિયાન એક પણ આરોપીને પકડી શકી નથી. આ જીલ્લા અને બંને રેલવે પોલીસ સ્ટેશનમાં પણ વોન્ટેડ આરોપીઓની યાદી બહુ મોટી જોવા મળી રહી છે.

કયા શહેર અને જીલ્લામાં સૌથી વધુ ફરાર આરોપી 

ક્રમ

શહેર-જીલ્લાનું નામ

આરોપી

1

અમદાવાદ

4489

2

સુરત

2112

3

વલસાડ

1526

4

બનાસકાંઠા

1526

5

વડોદરા શહેર

921

6

દાહોદ

920