અમદાવાદમાં કોરોનાના નવા માત્ર 152 કેસ, ત્રણનાં મૃત્યુ
- કોરોનાના દર્દી અને મૃત્યુ ઘટયાનો સરકારી યાદીમાં દાવો
- બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યનો આક્ષેપ છે કે આંકડા છૂપાવવામાં આવે છે
વચ્ચેના ગાળામાં ટેસ્ટિંગ ઘટાડી શહેરી સ્થિતિ બગાડી
અમદાવાદ, તા. 26 જુલાઇ, 2020, રવિવાર
અમદાવાદમાં સરકારી આંકડા અનુસાર કોરોના નબળો પડયો છે. છેલ્લા 24 કલાકમાં દર્દીઓના આંકડા ઘટીને 152 થઈ ગયા છે, જ્યારે સારવાર દરમ્યાન ત્રણ દર્દીઓના કરૂણ મૃત્યુ થયા છે.
બીજી તરફ કોરોનાને હરાવીને સાજા થયેલા 147 લોકોને જુદી જુદી હૉસ્પિટલો અને હોમ આઇસોલેશનમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સુરત દર્દીઓની સંખ્યા અને મૃત્યુઆંકમાં સૌથી ટોચ પર આવી ગયેલ છે.
મ્યુનિ.ના વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ દર્દીઓની સંખ્યા 24165ની થઈ ગઈ છે, જ્યારે કુલ મૃત્યુઆંક 1534ના આંકડાને આંબી ગયો છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા 19665ની થઈ છે. જ્યારે તમામ ઝોનના એક્ટિવ કેસોની સંખ્યા 3157ની છે, જેમાંથી 1505 તો માત્ર પશ્ચિમના વિસ્તારોના જ છે.
એક તરફ મ્યુનિ. દ્વારા જાહેર થતા દર્દી અને મૃત્યુના આંકડા જોતા સ્થિતિ નિયંત્રણમાં હોવાનું સારૂં ચિત્ર ઉભું થાય છે. બીજી તરફ આંકડાની ગેમ કેટલી સાચી હશે તે અંગે સૌ કોઈ શંકા વ્યક્ત કરી રહ્યું છે.
આજે જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્યએ સરકાર આંકડા છૂપાવતી હોવાનો આક્ષેપ કરી જણાવ્યું છે કે, વચ્ચેના ગાળામાં ટેસ્ટીંગ ઘટાડી દઈને શહેરને બીજુ વુહાન બનવા તરફ ધકેલી દેવાયું છે. ન્યુ ક્લોથ માર્કેટના 60 વેપારીઓના રિપોર્ટ છેલ્લા દિવસોમાં પોઝિટિવ આવ્યા છે.
આ વેપારીઓ મહદઅંશે પશ્ચિમના વૈભવી વિસ્તારમાં રહેતા હોવાથી તેના કુટુંબીજનો, કર્મચારીઓ, નોકરોમાં પણ સંક્રમણની દહેશત ઉભી થઈ છે. જેના જવાબમાં ભાજપના પૂર્વ ધારાસભ્યએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે તેના નકારાત્મક રાજકારણમાંથી બહાર આવવાની જરૂર છે.
આ ખેંચતાણ આજે મધ્ય ઝોનમાં ચર્ચાનો વિષય બની હતી. બીજી તરફ જે રીતે રોજેરોજ માઇક્રો કન્ટેન્મેન્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે તે જોતાં સંક્રમણનો વ્યાપ અને ઝડપ વધ્યા છે, મ્યુનિ.એ ઓછામાં ઓછા ઝોનવાર દર્દીના અને મૃત્યુના આંકડા પારદર્શક રીતે જાહેર કરવા જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે.