કોરોના કો હરાના હૈ, દેશ કો બચાના હૈ વિષય પર ઓનલાઈન પોસ્ટર મેકિંગનું આયોજન
લોકડાઉનમાં બાળકો માટે અનોખી ક્રિએટિવીટી
પોસ્ટર અભિયાન દ્વારા પરિવારોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ
વડોદરા, તા. 7 એપ્રિલ 2020, મંગળવાર
કોરોના વાઈરસને કારણે લોકડાઉન થયું છે તેથી બાળકોને ફરજિયાતપણે ઘરમાં પૂરાય રહેવાનો વારો આવ્યો છે. બહાર પોતાના મિત્ર સાથે પણ રમવા જઈ શક્તા નથી. બધી એક્ટિવિટી કરીને તેઓ કંટાળી ગયા છે ત્યારે ઈલેક્ટ્રિકલ એન્જિ. અને ચિત્રકાર સંજય મશીહીએ બાળકો માટે 'કોરોના કો હરાના હૈ, દેશ કો બચાના હૈ' વિષય પર ઓનલાઈન પોસ્ટર મેકિંગનું આયોજન કર્યું છે.
સંજયભાઈએ કહ્યું કે કોરોના વાઈરસ સામેની જંગમાં ડોક્ટર, નર્સ, પોલીસકર્મી, સફાઈ કામદારો સૌ કોઈ જંગ લડી રહ્યા છે ત્યારે લોકડાઉનની પરિસ્થિતિમાં બાળકો આ જંગનો કેવી રીતે હિસ્સો બની શકે તે વિચારથી પોસ્ટર મેકિંગ આયોજન કર્યુ છે. ઉપરાંત ઘણા બાળકો હજુ પણ સોસાયટીમાં બહાર રમે છે ત્યારે તેમના પરિવારમાં કોરોના વાઈરસની ગંભીરતા સમજી શકે માટે બાળકોને આ પ્રવૃતિમાં જોડયા છે. પોસ્ટર વિષયમાં કોરોના વાઈરસ સામે સાવધાની અને સર્તકતા રાખવા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જે પાંચ મુદ્દા જાહેર કર્યા તે, કોરોનાના લક્ષણો તેમજ દર્દીઓની સારવાર કરી રહેલા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને વિદ્યાર્થીઓએ ચિત્ર સ્વરુપે દોરવાના રહેશે. અત્યારસુધી પાંચથી છ વિદ્યાર્થીઓના પોસ્ટર આવ્યા છે.
ધો.૮માં ભણતા વિદ્યાર્થી લેરોય ગોહિલે ચિત્રમાં જિંદગીની દરકાર કર્યા વગર લડી રહેલા ડોક્ટરોને સુપરહિરો તરીકે દર્શાવ્યા છે. સામાન્ય લોકો પણ સુપરહિરો બની શકે છે જો તે લોકડાઉનની સ્થિતિમાં ઘરમાં રહે, માસ્ક પહેરે અને હાથ વારંવાર સ્વચ્છ રાખે છે. રોઝરી હાઈસ્કૂલમાં ભણતા શોન ગોહિલે પોસ્ટરમાં પૃથ્વીના લોકો કોરોનાની જંગ સામે કેવા શસ્ત્રો ધારણ કરશે તેને દર્શાવ્યું છે. ધો.૩માં ભણતા આકાશ મશીહીએ ચિત્રમાં દર્શાવ્યું કે અંધકાર સમાન કોરોના સામે લોકો લડી રહ્યા છે. છેલ્લે કોરોનાની હાર થઈ પૃથ્વી પર ફરી એકવાર સ્મિત લહેરાશે.