app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

વડોદરામાં ઓનલાઇન ઠગાઈ કરતી ગેંગનો ધીકતો વેપાર, 22 કરોડના ટ્રાન્ઝેક્શન : દુબઈ કનેક્શન

Updated: Sep 16th, 2023

વડોદરા,તા.16 સપ્ટેમ્બર 2023,શનિવાર

ઓનલાઇન છેતરપિંડી કરતી વધુ એક ગેંગનો વડોદરા સાયબર સેલે પર્દાફાશ કરી અમદાવાદ ગાંધીનગર અને ભાવનગરના છ ઠગોને ઝડપી પાડ્યા છે. ઠગ ટોળકી દ્વારા બોગસ બેન્ક એકાઉન્ટ અને સીમકાર્ડ એટેચ કરીને બેન્કિંગ કીટ તૈયાર કરી તમામ વિગતો દુબઈ પહોંચાડવામાં આવતી હોવાની માહિતી બહાર આવી છે.

કેવી રીતે લોકોને ફસાવવામાં આવતા હતા

ઓનલાઇન છેતરપિંડી કરતી ટોળકી દ્વારા લોકોને ફોન કરીને પાર્ટ ટાઈમ જોબની ઓફર કરવામાં આવતી હતી. શરૂઆતમાં ઓનલાઇન ટાસ્ક બદલ બેંક એકાઉન્ટમાં સારું એવું વળતર આપીને વિશ્વાસ કર્યા બાદ ઠગો દ્વારા ડિપોઝિટના નામે મોટી અમાઉન્ટ પડાવી લેવામાં આવતી હતી. આ ઉપરાંત ઇન્સ્ટન્ટ લોન તેમજ યુટ્યુબ ચેનલ પર લાઇક અને સબસ્ક્રાઇબ કરવાના નામે છેતરપિંડી કરવામાં આવતી હતી.

 ઠગ ટોળકીનું બેંક કીટ બનાવી દુબઈ પહોંચાડવાનું નેટવર્ક ચલાવતા છ પકડાયા

ઓનલાઇન છેતરપિંડી કરવા માટે બેન્ક એકાઉન્ટ તેમજ તેની સાથે રજીસ્ટર મોબાઇલ નંબરની જરૂર હોવાથી ઠગ ટોલકીના એમબીએ થયેલા માસ્ટરમાઈન્ડ અમદાવાદના જીગર શુક્લ દ્વારા એક બે દિવસમાં જ બોગસ ફમૅ બનાવવામાં આવતી હતી. બેન્કિંગ એજન્ટ તરીકે કામ કરતો જતીન પટેલ લોન ધારકો તેમજ અન્ય પરિચિતોના બેન્ક એકાઉન્ટ ખોલાવી આપતો હતો. ભાવનગરના ખાલીદ અને રિયાઝ સીમકાર્ડ પુરા પાડતા હતા અને આ તમામ બેન્ક એકાઉન્ટની કીટ અમદાવાદનો સંદીપ પંડ્યા ગાંધીનગરના પ્રદ્યુમનસિંહને મોકલતો હતો. પ્રદ્યુમનસિંહ બેંક કીટ દુબઈ પહોંચાડતો હતો. વડોદરા સાઇબર સેલ દ્વારા તમામ 6 ની ધરપકડ કરી છે.

30 બેંક એકાઉન્ટ દુબઈથી ઓપરેટ થયા, 22 કરોડના ટ્રાન્ઝેક્શન થયા

 ઓનલાઇન ઠગાઈ કરતી ટોળકી દ્વારા 30 જેટલા બેન્ક એકાઉન્ટની વિગતો દુબઈ મોકલવામાં આવી હોવાની અને દુબઈથી આ એકાઉન્ટ ઓપરેટ કરીને રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં આવતા હોવાની પ્રાથમિક માહિતી પોલીસને પ્રાપ્ત થઈ છે. ઠગ ટોળકીના બેંક ખાતાઓમાં ટૂંકા ગાળામાં રૂ.22 કરોડથી વધુ રકમના ટ્રાન્ઝેક્સનો થયા હોવાની ચોક આવનારી વિગતો બહાર આવી છે. જેથી પોલીસ દ્વારા જુદા જુદા રાજ્યોમાં થયેલા 300 થી વધુ ટ્રાન્ઝેક્શનની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

 એક જ સરનામે બે-ચાર દિવસમાં બેંક એજન્ટોને બોલાવી ફમૅ બતાવી દેતા હતા

 ઠગ ટોળકીના સાગરીતોની પૂછપરછ દરમિયાન પોલીસને એવી પણ માહિતી મળી છે કે બેંકમાં એકાઉન્ટ ખોલવા માટે ઠગો દ્વારા એક જ મકાન પર જુદી જુદી ફર્મ નું સરનામું દર્શાવવામાં આવતું હતું. જે તે બેંકના એજન્ટોને આ સરનામે જુદા જુદા સમયે બોલાવવામાં આવતા હતા અને ત્યારબાદ તરત જ બેન્ક એકાઉન્ટ શરૂ થાય તેવા પ્રયત્ન કરતા હતા. જેથી બે ચાર દિવસમાં જ મોટી સંખ્યામાં બેન્ક એકાઉન્ટ ખુલી જતા હતા.

વડોદરાના એન્જિનિયર યુવક પાસે 21.97 લાખ પડાવવાની વિગતો ખુલી

વડોદરા સાયબર સેલ દ્વારા ઝડપી પાડવામાં આવેલી ઠગ ટોળકીની પૂછપરછ દરમિયાન જીતેન્દ્ર બળ ગુજર નામના એક એન્જિનિયર યુવકને ઓનલાઈન ટાસ્ક આપવાના નામે શરૂઆતમાં સારું વળતર આપી ડિપોઝિટ પેટે વારંવાર રૂપિયા ભરાવી કુલ 21.97 લાખ પડાવી લીધા હોવાની વિગતો બહાર આવી છે. જેથી પોલીસે આ ગુનામાં રકમ રિકવર કરવા માટે તજવીજ કરી છે.

ટોળકીના સાગરીતોના નામ સરનામા અને વ્યવસાય

(1) જીગર ગીરીશભાઈ શુક્લ (50 વર્ષ, એમબીએ, ફાઇનાન્સ, કાંકરિયા,અમદાવાદ)

(2) જતીન ચંદુભાઈ પટેલ (બેન્કિંગ એજન્ટ આયુષી ત્રાગડ રોડ અમદાવાદ) 

(3) સંદીપ પ્રવીણભાઈ પંડ્યા (ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર, અભ્યાસ- બીસીએ, રહે.અમદાવાદ) 

(4) પ્રદ્યુમનસિંહ અશોકસિંહ વાઘેલા (ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર-બીકોમ, કુડાસણ ગાંધીનગર) 

(5)રિયાઝ ફારુકભાઈ પઠાણ (ડ્રાઇવિંગ- સાઢિયાવાડ,ભાવનગર) અને 

(6)ખાલીદખાન રજાકખાન પઠાણ,ગાડી લે વેચ નું કામ, રહે. અવેડવાડ ભાવનગર).      

Gujarat