ગુજરાતની તમામ સ્કૂલોમાં 27મીથી ફરી ઓનલાઈન એજ્યુકેશન શરૂ
- વાલીઓના વિરોધ અને હાઈકોર્ટમાં કેસને પગલે
- સરકારની જાહેરાત બાદ સંચાલકો નબળા પડયા? સ્કૂલ મંડળનું આજથી સોશિયલ મીડિયા અભિયાન
અમદાવાદ, તા. 25 જુલાઇ, 2020, શનિવાર
વાલીઓના વિરોધ અને હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસ ઉપરાંત સરકારે પણ અંગ્રેજી માધ્યમ માટે ઓનલાઈન એજ્યુકેશન આપવાની જાહેરાત કરતા અંતે સંચાલકો નબળા પડયા છે અને 27મીથી ઓનલાઈન એજ્યુકેશન ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે.
ગુજરાત સરકારે સ્કૂલો રેગ્યુલર શરૂ ન થાય અને ક્લાસરૂમ એજ્યુકેશન શરૂ ન થાય ત્યાં સુધી ટયુશન ફી પણ ન લેવા આદેશ કરી ફી માફીનો નિર્ણય કર્યો છે ત્યારે આ મુદ્દે રાજ્યભરના સંચાલક મંડળોએ ભારે વિરોધ કર્યો છે.સ્ટાફને પગાર ન આપવાની ચીમકી આપી બીજા જ દિવસથી ઓનલાઈન એજ્યુકેશન પણ બંધ કરી દીધુ હતુ.
જો કે હાઈકોર્ટમાં ચાલતા કેસમાં સંચાલકો વિરૂદ્ધમાં કેસ નબળો ન પડે અને ફી મુદ્દે એજ્યુકેશન આપવાનું બંધ કરવાની બાબતમા હાઈકોર્ટ નારાજ ન થાય તે માટે સંચાલકોએ ઓનલાઈન એજ્યુકેશન ફરી આપવાની જાહેરાત કરી છે.સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ-ગુજરાત તેમજ સીબીએસઈ સહિતની બોર્ડની અન્ય મોટી ખાનગી સ્કૂલોના મંડળ એવા એસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલ્સ દ્વારા પણ 27મીથી ઓનલાઈન એજ્યુકેશન ફરી શરૂ કરવા નક્કી કરાયુ છે.
ઓનલાઈન એજ્યુકેશન બંધ થતા હજારો વાલીઓ-વિદ્યાર્થીઓેએ સ્કૂલોમાં ફોન અને મેસેજ કરી ફરી ચાલુ કરવાની પણ માંગ કરી હતી જેથી 16 હજાર સ્કૂલોના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે વિદ્યાર્થીઓના હિતમાં ફરી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવાનું નક્કી કર્યુ છે.
મહત્વનું છે કે સરકારે અંગ્રેજી માધ્યમમાં પણ ઓનલાઈન એજ્યુકેશન ફ્રીમા આપવાની જાહેરાત કરતા સંચાલકો ભોઠા પડયા છે અને હવે વાલીઓ તરફી કુણુ વલણ દાખવી રહ્યા છે.
જો કે બીજી બાજુ એસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલ્સ દ્વારા આવતીકાલે 26મીથી ફી મુદ્દે સોશિયલ મીડિયામાં સેવ અવર સ્કૂલ્સ નામનુ અભિયાન ચલાવાશે.શિક્ષણવિદો અને શિક્ષકો ઉપરાંત વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ જોડાવા અપીલ કરી છે.આમ હવે સંચાલકોને પણ ફી મુદ્દે વાલીઓ -વિદ્યાર્થીઓનો સહારો લેવી પડી રહ્યો છે.