પસ્તીમાં જતા લાખો પુસ્તકોના નિકાલ માટે પ્રથમવાર પોલીસી

અમદાવાદ
ધો.૯થી૧૨ના
જુના કોર્સના બિનજરુરી લાખો પુસ્તકોના નિકાલ માટે પ્રથમવાર કમિશનર ઓફ સ્કૂલ કચેરી
દ્વારા પોલીસી નક્કી કરવામા આવી છે.જે અંતર્ગત તમામ ડીઈઓને પરિપત્ર કરીને સમિતિ
રચવાનો આદેશ કરાયો છે.
કમિશનર ઓફ
સ્કૂલ કચેરી દ્વારા તમામ ડીઈઓને પરિપત્ર કરીને જણાવવામા આવ્યુ છે કે ધો.૯થી૧૨ના
તમામ વિદ્યાર્થીઓને અપાતા મફત પાઠય પુસ્તકોમાં સમયાંતરે બદલાવ કરવામા આવે છે
ત્યારે કોર્સ બદલાતા જુના કોર્સના પુસ્તકોનો કોઈ ઉપયોગ થતો ન હોવાથી પડયા રહે છે
અને આવા પુસ્તકોનો ભરાવો થતા તેનો નિકાલ કરવો જરૃરી છે. આ અંગે અનેકવાર ડીઈઓ તેમજ
સ્કૂલો તરફથી રજૂઆતો કરવામા આવી હતી.જેને પગલે એક ચોક્કસ પદ્ધતી નક્કી કરવામા આવી
છે.જે અંતર્ગત આવા પાઠય પુસ્તકોનો નિકાલ કરવા એક સમિતિની રચના કરવાની રહેશે. જેમાં
પાઠયપુસ્તકો જે એસવીએસમા હોય તે એસવીએસના શિક્ષક નિરિક્ષક અથવા ઈન્ચાર્જ શિક્ષક
નિરિક્ષક અધ્યક્ષ રહેશે.
એસવીએસના કન્વીનર આચાર્ય તેમજ અન્ય એક શાળાના આચાર્ય અને એક વહિવટી
કર્મચારી કમિટીમાં રહેશે. કલેકટર દ્વારા જે પસ્તી વેચાણ માટે ટેન્ડર મંજૂર થયુ હોય
તે ઈજારાદારને આવા બિન ઉપયોગી પુસ્તકો પસતીમાં વેચવાના રહેશે. જેની રકમ હેડે ચલણથી
જમા કરવાની રહેશે. કોર્સ ચાલુ હોય તેવા પુસ્તકો
વેચાઈ ન જાય તેની તકેદરી ડીઈઓએ રાખવાની રહેશે. પસ્તી વેચાણમાં પાઠય પુસ્તકો
પાને પાના ફાડીને ટુકા કરીને જ આપવાના રહેશે. જો કોઈ જિલ્લામાં પસ્તી વેચાણના ભાવ
નક્કી નથ થયા હોય તો અન્ય જિલ્લાના મંજૂર થયેલા ભાવો મંગાવી સૌથી વધુ ભાવ જે ઈજારદારના
હોય તેઓને આ પુસ્તકોનું વેચાણ કરવાનુ રહેશે.




