GTU દ્વારા 30 જુલાઈથી ઓનલાઈન 17 ઑગસ્ટથી ઓફલાઈન પરીક્ષાઓ
- કઈ પરીક્ષા આપવી છે તે માટે 16મીથી વિકલ્પ પસંદગી
- બંને પરીક્ષા ન આપી શકે તેઓ માટે સપ્ટેમ્બરમાં ખાસ પરીક્ષા
અમદાવાદ, તા. 13 જુલાઇ, 2020, સોમવાર
કેન્દ્ર સરકારની મંજૂરી બાદ રાજ્ય સરકારે પણ પરીક્ષાઓ લેવા આદેશ કરી દીધો છે ત્યારે જીટીયુ દ્વારા મોકુફ કરાયેલી પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરી દેવાઈ છે.જે મુજબ વિદેશ જવા માંગતા અને જલ્દી પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન મોડમાં 30 જુલાઈથી છેલ્લા વર્ષની પરીક્ષાઓ લેવાશે.જ્યારે ઓફલાઈન મોડમાં 17 ઓગસ્ટથી પરીક્ષાઓ લેવાશે.
ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી સહિતના વિવિધ કોર્સમાં છેલ્લા વર્ષની પરીક્ષાઓમાં જીટીયુ દ્વારા અગાઉ 2જી જુલાઈથી ઓફલાઈન લેવાનાર હતી અને 21 જુલાઈથી ઓનલાઈન પરીક્ષા હતી.પરંતુ કેન્દ્ર સરકારની સૂચના બાદ રાજ્ય સરકારના આદેશથી જીટીયુએ પરીક્ષા શરૂ થવાના આગલા દિવસે જ પરીક્ષાઓ મોકુફ કરવી પડી હતી.
કેન્દ્ર સરકારે પરીક્ષાઓ યોજવા મંજૂરી આપી દેતા હવે જીટીયુએ નવી તારીખો જાહેર કરી છે.જે મુજબ 30 જુલાઈથી ઓનલાઈન પરીક્ષા લેવાશે.જો કે સરકારે તો 30 જુલાઈ સુધીમાં ઓનલાઈન પરીક્ષાઓ પૂર્ણ કરવા આદેશ કર્યો છે.
પરંતુ સરકાર તો પરિસ્થિતિ સમજ્યા વગર પરિપત્રો કરી દે છે ત્યારે પરીક્ષા લેવા માટે રજિસ્ટ્રેશન તેમજ નવા પ્રશ્નપત્રો તૈયાર કરવા સહિતના ઘણો સયમ આપવો પડે તેમ હોવાથી જીટીયુએ સરકારની આબરૂ સાચવી લેવા મોડામાં મોડી 30 જુલાઈથી પરીક્ષા લેવાનું નક્કી કર્યુ છે. વિદેશમા ંઉચ્ચ અભ્યાસ માટે જવા માંગતા અને નોકરી કે અન્ય કારણોસર જલ્દી પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓની આ ઓનલાઈન પરીક્ષા લેવાશે.
જ્યારે અગાઉની જેમ રાજ્યના વિવિધ જિલ્લાના 350 કેન્દ્રો પર ઓફલાઈન ધોરણે લેખિત પરીક્ષાઓ 17 ઓગસ્ટથી લેવાશે.વિગતવાર કાર્યક્રમ જીટીયુ દ્વારા થોડા દિવસમાં જાહેર કરાશે. આ બંને મોડની પરીક્ષામાંથી વિદ્યાર્થી કઈ પરીક્ષા આપવા માંગે છે તે માટે નવેસરથી વિકલ્પ પસંદગી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન 16મી જુલાઈથી શરૂ થશે.
હવે જીટીયુ દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન બંને પરીક્ષાઓ એમસીક્યુ આધારીત 70 માર્કસની 70 મીનિટની પરીક્ષા રહેશે.એમસીક્યુ હોવાથી અને પીસી-ટેબલ્ટેમાં પરીક્ષાનો ઓપ્શન અપાતા હવે ઓનલાઈન પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થી વધશે.
આ બંને મોડમાંથી કોઈ પણ પરીક્ષા ન આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે સપ્ટેમ્બરમાં ખાસ પરીક્ષા લેવાશે.ઓનલાઈન-ઓફલાઈનમાં વિવિધ કોર્સમાં અંદાજે 59 હજારથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે.