તબલિગીઓને હવે જ્ઞાાન લાદ્યું, પોલીસને સામે ચાલીને ફોન કર્યાં
- ધર્મગુરૂએ અપીલ કરવી પડી,મસ્જિદોમાંથી એલાન કરાયા
- શાહપુર,કાલુપુર અને દરિયાપુરમાંથી 150થી વધુ તબલિગીઓને સરકારી કવોરન્ટાઇન સેન્ટરમાં મોકલાયા
અમદાવાદ, તા.06 એપ્રિલ 2020, સોમવાર
દિલ્હી મરકઝથી પર આવેલાં તબલીગીઓની પોલીસે શોધખોળ આદરી છે તેમાંય અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં કોરોના પોઝિટીવના કેસો વધ્યાં છે ત્યારે હવે તબલીગીઓને ય કોરોનાની ગંભીરતા સમજાઇ છે. ખુદ તબલીગી જમાતના વડાઓ અને આગેવાનોએ મેદાનમાં ઉતરવાની ફરજ પડી છે.ખુદ તબલીગીઓએ જ પોલીસને સામે ચાલીને ફોન કરીને કવોરન્ટાઇન કરવા જણાવ્યુ છે.છેલ્લા બે દિવસમાં અમદાવાદમાં કાલુપુર,શાહપુર અને દરિયાપુરમાંથી ૧૫૦થી વધુ તબલીગીઓને સરકારી કવોરન્ટાઇન સેન્ટરમાં મોકલાયાં છે. આમ,તબલીગીઓને હવે રહી રહીને જ્ઞાાન લાદ્યુ છે.
ગુજરાતમાં કોરોનાના કેસોનો આંક હવે ૧૫૦ની નજીક રહ્યો છે. અમદાવાદ તો જાણે કોરોનાનુ હોટસ્પોટ સાબિત થઇ રહ્યુ છે. તેમાં ય દિલ્હી મરકઝ પર ગયેલા લોકોના કારણે અમદાવાદમાં કોટ વિસ્તારમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે.મુસ્લિમ ગીચ વિસ્તારોમાં કેસો વધતા જાય છે. તેમ આરોગ્ય સચિવ ડૉ.જયંતિ રવિએ જણાવ્યુ છે.આ તરફ,રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, દિલ્હી મરકઝ પર જઇને આવેલાં કુલ ૧૨૬ તબલીગીઓની ઓળખ થઇ છે જેમાંથી આઠ જણાંને કોરોના પોઝિટીવ થયો છે. લોકડાઉનના નિયમોનાં ભંગ બદલ એક તબલીગી સામે પોલીસે ગુનો પણ નોંધ્યો છે.
અમદાવાદના કોટ વિસ્તારમાં કોરોનાના કેસો વધતાં તબલીગીઓ સામે વિરોધનો વંટોળ ઉઠયો છે.તે જોતાં ખુદ તબલીગી જમાતના આગેવાનોએ મોરચો સંભાળવો પડયો હતો.ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ,જમિયતે ઉલ્માના ઉપપ્રમુખ મુફ્તી અબ્દુલ કૈયુમ સહિતના આગેવાનોએ તો તબલીગી પ્રભુત્વ વિસ્તાર એવા શાહપુર,દરિયાપુર અને કાલુપુરમાંથી દિલ્હી મરકઝ સહિત અન્ય રાજ્યોમાં જમાતમાં ગયેલાં લોકોને સામે ચાલીને કવોરન્ટાઇન માટે જવા અપીલ કરી હતી.
જેના પગલે કાલુપુરમાંથી મલેક અહેમદની મસ્જિદમાંથી ૬૦ જણાં અને સુભરાતીની મસ્જિદમાંથી ૧૬ જણાંને સરકારી કવોરન્ટાઇન સેન્ટરમાં મોકલાયા હતાં.આ જ પ્રમાણે,દરિયાપુરમાં દાદામીંયાની મસ્જિદમાંથી ૨૮ જણાં ઉપરાંત શાહપુરમાં ડોડિયાવાળની મસ્જિદમાંથી ૧૮ જણાંની ઓળખ કરી કવોરન્ટાઇન માટે મોકલાયા હતાં.શાહપુરમાંથી આજે સરકીવાડમાંથી પણ ૩૦ જણાંને કવોરન્ટાઇન માટે લઇ જવાયા હતાં.રવિવારે જુહાપુરામાં નુર મસ્જિદમાંથી જ પણ ૩૦ જણાંને સરકારી કવોરન્ટાઇન સેન્ટરમાં લઇ જવાયા હતાં.
આમ,બે દિવસમાં જ ૧૫૦થી વધુ તબલીગીઓને કવોરન્ટાઇન માટે લઇ જવાયા હતાં. કોટ વિસ્તારમાં કોરોનાના કેસો વધતાં સ્થાનિકોમાં ય ગભરાટનો માહોલ પ્રવર્તી રહ્યો છે તેમાં ય ખાસ કરીને સ્થાનિકોમાં જ તબલીગીઓ પ્રત્યે રોષ ભભૂક્યો હતો. હવે કોટ વિસ્તારમાં એવી પરિસ્થિતી પરિણમી છેકે, મસ્જિદોમાંથી એલાન કરીને લોકોને ઘરમાં જ રહેવા સૂચનાઓ અપાઇ રહી છે. ધર્મગુરૂઓ-મૌલવીઓ જ લોકોને સમજાવીને જનજાગૃતિ કેળવવા પ્રયાસો કરી રહ્યાં છે.તબલીગીઓને પણ સામે ચાલીને પોલીસ અથવા આરોગ્ય વિભાગને જાણીને કવોરન્ટાઇન કરવા સમજાવવામાં આવી રહ્યાં છે.
શબે બરાતની રાત્રીએ મસ્જિદો-કબ્રસ્તાનમાં નો એન્ટ્રી, ઘેર જ ઇબાદત કરવા સુન્ની જમાતનું એલાન
કોરોનાની મહામારીને મ્હાત આપવા મુસ્લિમોએ સરકારને સાથ સહયોગ આપવા નક્કી કર્યુ છે .આગામી ૯મી એપ્રિલે શબે બરાત ઉજવવામાં આવશે પણ જે રીતે કોરોનાએ કેર મચાવ્યો છે ત્યારે ગુજરાત ચાંદ કમિટીએ એલાન કર્યુ છેકે, મુસ્લિમ બિરાદરો મસ્જિદોના બદલે ઘરમાં જ રહીને ઇબાદન કરે.કોરોનાની મહામારી વકરી છે ત્યારે ઘરમાંથી બહાર ન નીકળે.એટલું જ નહીં. સમગ્ર ભારત દેશને આ મહામારીમાંથી મુકત કરે તે માટે દુઆ પણ માંગે. શબે બરાતના રાત્રીએ મુસ્લિમો કબ્રસ્તાનમાં જઇને મૃતકોને શ્રધ્ધાજંલિ અર્પતા હોય છે ત્યારે મુસ્લિમોને કબ્રસ્તાનમાં ય ન જવા અપીલ કરવામાં આવી છે. અમદાવાદ શહેરની મસ્જિદોમાં જ નહીં.કબ્રસ્તાનમાં ય બોર્ડ લગાવી દેવાયાં છે કે,કોરોનાની મહામારીને કારણે ઘેર રહીને ઇબાદત કરવી.કોઇએ કબ્રસ્તાન કે મસ્જિદમાં પ્રવેશ કરવો નહીં.ખાસ કરીને સુન્ની જમાતે ચારેક દિવસ પહેલાથી આ વિશે મુસ્લિમ બિરાદરોને જાણ કરી આગોતરૂ આયોજન કર્યુ છે.
અમદાવાદમાં કોટ વિસ્તારમાં કરફયુ કરવા ખુદ મુસ્લિમોએ માંગ કરી
અમદાવાદમાં કોટ વિસ્તારમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે તે જોતા સમગ્ર વિસ્તારને કલ્સ્ટર કવોરન્ટાઇન કરાયો છે પણ હજુય કેટલાય લોકો લોકડાઉનનો અમલ કરવા તૈયાર નથી.કોઇને કોઇ બહાના હેઠળ બહારવ નીકળી રહ્યાં છે.ખુદ મુસ્લિમ આગેવાનો જ કહી રહ્યાં છેકે, જો કોરોનાને કાબુમાં લેવો હોય તો કોટ વિસ્તારમાં કરફ્યુ નાંખવો જોઇએ. લોકો હજુય કોરોનાની ગંભીર પરિસ્થિતીને સમજવા જ તૈયાર નથી.