સમરસ હોસ્ટેલના સફાઈ,કેન્ટીન અને સિક્યુરિટીના કોન્ટ્રાક્ટરોને નોટિસો

વડોદરા,શનિવાર
એમ.એસ.યુનિવર્સિટીના પોલીટેકનિક કેમ્પસમાં આવેલી સરકારની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓ દ્વારા થયેલા હોબાળા બાદ આજે મેયર અને ડેપ્યુટી મેયર હોસ્ટેલ ખાતે દોડી ગયા હતા.
મહિલા મેયર હોવાના નાતે ડો.જિગિષાબેને શેઠે તો હોસ્ટેલમાં અંદર જઈને વિદ્યાર્થિનીઓની રુમોનુ પણ નિરિક્ષણ કર્યુ હતુ અને રસોડાની પણ ચકાસણી કરી હતી.કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓએ મેસ અને રસોડાનુ ચેકિંગ કર્યુ હતુ.જેમાં રસોડામાં ચોખ્ખાઈ નહી હોવાથી મેસ કોન્ટ્રાક્ટરને નોટિસ આપી છે.બીજી તરફ કેન્ટીન સંચાલક લાઈસન્સ વગર જ વ્યવસાય કરતો હોવાથી આ બાબેત પણ નોટિસ આપવામાં આવી છે.જ્યારે રસોઈ માટેનુ રો મટિરિયલ અને તૈયાર ભોજનના ૧૯ જેટલા નમૂના લેવામાં આવ્યા હતા.
ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણે એક વાતચીતમાં કહ્યુ હતુ કે આ મામલામાં હોસ્ટેલના વોર્ડન દ્વારા સફાઈનો કોન્ટ્રાક્ટ ધરાવનાર એજન્સી સ્પાઈરલ હાઉસ કિપિંગને, સિક્યુરિટીના પુરતા કર્મચારીઓ નહી રાખનાર કિરણ સિક્યુરિટીને તેમજ હોસ્ટેલમાં મેસ ચલાવનાર રાજપુરોહિત કેટરિંગ સર્વિસને નોટિસો ફટકારવામાં આવી છે અને જો તાત્કાલિક વહીવટ નહી સુધારે તો તેમનો કોન્ટ્રાક્ટર રદ કરવાની ચિમકી અપાઈ છે.
તેમણે કહ્યુ હતુ કે હોસ્ટેલમાં પાણીની સમસ્યા દુર કરવા અલાયદી પાણીની પાઈપલાઈન નાંખવાનુ કામ મંજૂર કરાયુ છે.હાલ પુરતુ ટેન્કર દ્વારા પાણી પુરુ પાડવાની અને દરેક ફ્લોર પર પીવાના પાણીના ૧૦૦ જગ મુકવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

