Get The App

100 હિન્દુઓનું નહીં પણ 130નું ધર્માંતરણ કરાયું હતું

Updated: Nov 17th, 2021


Google NewsGoogle News
100 હિન્દુઓનું નહીં  પણ 130નું ધર્માંતરણ કરાયું હતું 1 - image


ભરૂચ જિલ્લાના કાંકરિયા ગામમાં

4 આરોપીને પાંચ દિવસના રિમાન્ડ : અન્ય ગામોમાં ધર્માંતરણ થયું છેકે કેમ?તેની તપાસ

હિન્દુમાંથી મુસ્લિમ બન્યા બાદ કેટલાક લોકો ધર્માંતરણની પ્રવૃત્તિમાં જોડાયા હતા

ભરૂચ : ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામના 37 હિંદુ પરિવારના 100 લોકોનું નહીં  પણ  130 જણાનું  ધર્મ પરિવર્તન કરાયું હોવાની વિગતો બહાર આવી છે. ધર્મપરિવર્તનના આ  બનાવ માં  પોલીસે નવ આરોપીઓ પૈકી 4 ની ધરપકડ કરી હતી. આજે ભરૂચ કોર્ટમાં તેમને રજુ કરાતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

કાંકરિયા સિવાય અન્ય ગામોમાં પણ ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યા છેકે કેમ ? તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે  ગઇકાલે ચાર  આરોપીઓ અબ્દુલ અઝીઝ પટેલ,યુસુફ જીવણ પટેલ,ઐયુબ બરકત પટેલ અને ઇબ્રાહિમ પુના પટેલની ધરપકડ કરી  હતી . આ ચારેય આરોપીઓ હિન્દુમાંથી ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બન્યા હતા. 

ધર્મ બદલ્યા બાદ તેઓ ખુદ  આ વટાળ પ્રવૃત્તિમાં જોડાયા હતા. પોલીસે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ભરૂચ જિલ્લા પોલીસ વડા  રાજેન્દ્રસિંહ ચુડાસમાએ  જણાવ્યું છે કે , ફક્ત ધર્માંતરણ જ હતું કે વિદેશથી ફંડ મેળવીને દેશ વિરોધી અન્ય પ્રવૃત્તિ થઈ રહી હતી તેની પણ તપાસ થશે . 

પોલીસની ત્રણ ટીમ આ કેસમાં તપાસ કરી રહી છે. આમોદ પોલીસ મથકે ગેરકાયદે રીતે હિન્દુ સમાજ ના  ગરીબ વસાવા લોકોને ઘર, મકાન, રાશન, ધંધો - રોજગાર, શિક્ષણ અને લગ્ન કરાવી આપવાની લાલચે મુસ્લિમ ધર્મ અંગિકાર કરવા અંગેની ફરિયાદ નોંધાઇ છે.

ચાર આરોપીઓએ બદલેલા નામ

મૂળ નામ

બદલાયેલું નામ

અજીત છગન વસાવા

અબ્દુલ અઝીઝ પટેલ

મહેન્દ્ર જીવણ વસાવા

યુસુફ જીવણ પટેલ

રમણ બરકત વસાવા

ઐયુબ બરકત પટેલ

જીતુ પુના વસાવા

ઇબ્રાહિમ પુના પટેલ


Google NewsGoogle News