એડવાન્સ આપેલા રૃપિયાના ખર્ચનો હિસાબ સમયસર અપાતો નથી
કોર્પો. દર વર્ષે ૫૦ કરોડ વિવિધ વિભાગોને એડવાન્સ આપે છે ઃ જે અધિકારી હિસાબ ન આપે તેનો પગાર રોકવા માગ
વડોદરા, તા. 16 જાન્યુઆરી 2020, ગુરૃવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એડવાન્સ (તસલમાત) રકમ ખર્ચ પેટે લેવાની જોગવાઇ છે અને વિવિધ વિભાગો સંભવિત ખર્ચને ધ્યાનમાં રાખીને એડવાન્સ લે છે, પરંતુ આ એડવાન્સ રકમનો જમા ખર્ચ ૩ મહિનામાં હિસાબી શાખામાં રજુ કરી દેવાતો હોય છે, જે વારંવારની સૂચના છતાં જમા કરાવાતો નથી.
કોર્પોરેશન દ્વારા દર વર્ષે આશરે રૃા.૫૦ કરોડ વિવિધ કામો માટે એડવાન્સ અપાય છે. આ રકમ વિભાગીય વડાના નામે ફાળવાની હોય છે. જે કામ માટે ખર્ચ થાય તેનો જમા ખર્ચ બાદમાં કોર્પોરેશનનું હિસાબી ખાતું મેળવી લે છે.
જો કે આરટીઆઇ એકટિવિસ્ટ દ્વારા આરટીઆઇ હેઠળ એડવાન્સ કામ કરવા માટે છેલ્લા દશ વર્ષમાં કેટલા રૃપિયા લીધા તે અંગે હિસાબ માગ્યો હતો. જેમાં એવી વિગત અપાઇ હતી કે ચાલુ વર્ષે રૃા.૪૮.૭૯ કરોડના ખર્ચ જમા હિસાબમાં દર્શાવાયો નથી. તેમનું કહેવું છે કે મ્યુનિ. કમિશનર વારંવાર બાકી એડવાન્સ રકમના ખર્ચનો હિસાબ આપી દેવા મીટિંગમાં ચર્ચા કરે છે, પરંતુ કોર્પોરેશનના જુદા જુદા વિભાગ હિસાબ આપતા નથી. જે અધિકારીઓ સમયસર હિસાબ ન આપે તેનો પગાર અટકાવીને હિસાબ લેવા માગ કરી હતી.
આ અંગે કોર્પોરેશનના વર્તુળોનું કહેવું છે કે એડવાન્સ દર વર્ષે અપાય છે અને તેની સામે દર વર્ષે જમા ખર્ચ પણ લેવામાં આવે છે. દા.ત. હાલ વિશ્વામિત્રી રેલવે બ્રિજની કામગીરી સંદર્ભે રેલવે તંત્રને ખર્ચની રકમ એડવાન્સમાં આપવાની હોય છે અને જ્યાં સુધી રેલવે કામગીરી પૂર્ણ ન કરે ત્યાં સુધી જમાખર્ચમાં તે રકમ દર્શાવી શકાશે નહીં.