Get The App

આઠ હજારથી વધુ ઇમેઇલમાં માલવેર વાયરસ મોકલાયાનું તપાસમાં ખુલ્યું

નાઇઝીરિયન ગેંગ દ્વારા માલવેર વાયરસથી ઇમેઇલ હેક કરવાનો મામલો

સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસોઃ દેશની નેશનલ એજન્સીઓ અને પોલીસને એલર્ટ કરવામા આવી

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
આઠ હજારથી વધુ  ઇમેઇલમાં માલવેર વાયરસ મોકલાયાનું તપાસમાં ખુલ્યું 1 - image

અમદાવાદ, મંગળવાર

નાઇઝીરિયન ગેંગ દ્વારા દેશના ૭૦૦થી વધારે કંપનીઓમાં ઇમેઇલની મદદથી માલવેર વાયરસ મોકલીને ઇમેઇલ આઇડીને હેક કરવાના કેસની તપાસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા  સૌથી મોટો ખુલાસો કરાયો છે. જેમાં દેશમાં આઠ હજારથી વધુ જેટલી કંપનીઓ અને વેપારીઓને ઇમેઇલમાં વાયરસ મોકલવામાં આવ્યા હતા. જે પૈકી અનેક ઇમેઇલ આઇડી હેક કરીને નાણાંની છેતરપિડી કરવામાં આવી હતી. જેથી આ અંગે દેશની સુરક્ષા એજન્સીઓ અને અન્ય રાજ્યોની પોલીસને પણ જાણ કવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા ગુજરાતમાં સીમ કાર્ડ સ્વેપીંગ, ઇમેઇલ હેક કરીને બેંક એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ઓનલાઇન છેતરપિંડીના નોંધાયેલા કેસનું ટેકનીકલ સર્વલન્સ કરવામાં આવતા નાઇઝીરિયન ગેંગની સડોવણી સામે આવી હતી. જેમાં આ ગેંગ દ્વારા ગુજરાતમાં અમદાવાદની ૨૫૦ અને અન્ય શહેરોની કુલ ૫૦૦ જેટલી કંપનીઓ અને દેશની ૨૦૦ જેટલી કંપનીઓના ઇમેઇલ આઇડી પર માલવેર વાયરસ મોકલીને  કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. જો કે સાયબરક્રાઇમના અધિકારીઓએ સાયબર એક્સપર્ટની મદદથી તમામ કંપનીઓની સિસ્ટમમાંથી માલવેર વાયરસ હટાવવાની કામગીરી શરૂ  કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ વધારાના ટેકનીકલ સર્વલન્સમાં આ કેસની લગતી સૌથી ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં નાઇઝિરીયન ગેંગ્ દ્વારા  સમગ્ર દેશમાં આઠ હજાર જેટલા વેપારીઓ અને કંપનીઓમાં  ઇમેઇલમાં વાયરસ મોકલી અપાયો હતો. જેમાં કેટલીક કંપનીઓ સાથે છેતરપિંડી થઇ ચુકી હતી. જો કે આ બાબતને ગંભીરતાથી લઇને તાત્કાલિક તમામ કંપનીઓને જાણ કરવામાં આવી હતી અને માલવેર વાયરસ હટાવી દેવામાં માટે સુચના આપી છે. આ ઉપરાંત, નેશનલ એજન્સીઓ અને અન્ય રાજ્યોની પોલીસના સાયબર સેલના અધિકારીઓને જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે  આ કેસમાં પોલીસે પશ્ચિમ બંગાળના વોડાફોનના અધિકારી અને અન્ય બેંકની મહિલા મેનેજરની ધરપકડ કરવામાં આવી હતી. આમ, આ કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે.


Google NewsGoogle News