મોટનાથ મહાદેવ મંદિર પાસેના ચાર રસ્તા નવો અકસ્માત ઝોન
ચોકડી પર નવુ સર્કલ બનાવવા તેમજ અકસ્માત ઘટાડવા સ્પીડ બ્રેકર મૂકવાની માંગણી
વડોદરા, તા.29 જાન્યુઆરી, બુધવાર
મોટનાથ મહાદેવ મંદિર પાસે સમા તરફ જતા રસ્તા પર ટ્રાફિકનું ભારણ વધી જતા આ ચોકડી પર અકસ્માતો વધી ગયા છે જેના પગલે અકસ્માતોની સંખ્યા ઘટાડવા નવુ સર્કલ તેમજ સ્પીડ બ્રેકર બનાવવાની માંગણી ઉઠી છે.
મોટનાથ તળાવ, ક્રિષ્ણા પાર્ટી પ્લોટ, એસ.આર. પેટ્રોલપંપ અને હરણી મોટનાથ મુક્તિધામની નવી ચોકડી પાસેથી ગોલ્ડન ચોકડી તરફથી આવતા તેમજ તે તરફ જતા વાહનો પૂરઝડપે જતા હોવાથી આ રસ્તા પર અકસ્માતોની સંખ્યા વધી ગઇ છે જેથી વાહનોની સ્પીડ કંટ્રોલ કરવા માટે સ્પીડ બ્રેકર મુકવા મોટનાથ મહાદેવ મંદિરના મહંત દ્વારા કોર્પોરેશન અને પોલીસને રજૂઆત કરાઇ છે.
આ જગ્યાએથી મોટા અને ભારદારી વાહનો, લક્ઝરી બસો, કંપનીની ગાડીઓ તેમજ સ્કૂલ વાન પસાર થાય છે. આ સ્થળે ચોકડી હોવા છતાં સર્કલ નહી હોવાથી અકસ્માતો થાય છે અને રોજે રોજ વાહન ચાલકો વચ્ચે ઝઘડાના બનાવો બનતા હોય છે. અકસ્માત ઝોન બની ગયેલા આ ચાર રસ્તા પર મોટનાથ સર્કલ બનાવવાની પણ મંદિરના મહંત દ્વારા માંગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હરણી રોડ પર હનુમાનજીની ગદા સાથે એક સર્કલ છે પરંતુ હવે સમા તરફ જતો વાહન વ્યવહાર વધી ગયો હોવાથી તેમજ આ સ્થળે ચાર રસ્તા હોવાથી સર્કલની જરૃરીયાત ઉભી થઇ હોવાની માંગણી સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી છે.