જીઆઈડીસીની રીકવરી બ્રાંચમાં વહેલી પરોઢે રહસ્યમય આગ
- ગાંધીનગરના સે-11માં ઉદ્યોગભવનમાં આવેલી
- કચેરીનો તમામ રેકર્ડ બળીને ખાખઃફાયર બ્રિગેડની ટીમે ઉપરના માળ સુધી આગ પ્રસરતાં અટકાવી
ગાંધીનગર શહેરના સે-૧૧માં આવેલા ઉદ્યોગ ભવનમાં આવેલી જીઆઈડીસીની કચેરીના રીકવરી બ્રાંચમાં આજે વહેલી પરોઢે કોઈ કારણોસર ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડ સ્થળ ઉપર પહોંચ્યું હતું અને ચાર ફાયર ફાઈટર કામે લગાડીને ૪૦ હજાર લીટર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. આગના કારણે કચેરીનું તમામ ફર્નીચર અને રેકર્ડ બળી ગયા હતા. જો કે ઉપરના માળ સુધી આગને પ્રસરતી અટકાવવામાં ફાયર બ્રિગેડને સફળતા મળી હતી. આગનું કારણ જાણવા એફએસએલને બોલાવવામાં આવી હતી.
ઉદ્યોગભવનમાં બ્લોક નં.પના પ્રથમ માળે ગુજરાત ઈન્ડ્રસ્ટીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની વડી કચેરી આવેલી છે. જે કચેરીની રીકવરી બ્રાંચમાં આજે વહેલી પરોઢે રહસ્યમય રીતે આગ લાગી ગઈ હતી. આગ લાગ્યાના ઘણા સમય બાદ સિક્યોરીટી જવાનોને આ ઘટના અંગે જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર ઓફીસર મહેશ મોડ તેમની કુમક સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ચાર ફાયર ફાઈટરો કામે લગાડી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કલોલ અને માણસાથી પણ એક એક ફાયર ફાઈટર બોલાવવાની ફરજ પડી હતી.
ત્રણ કલાકની ભારે જહેમત બાદ ૪૦ હજાર લીટર પાણીનો મારો ચલાવી ફાયર બ્રિગેડે આગને ઉપરના માળ સુધી પ્રસરતાં અટકાવી દીધી હતી. આગની ઘટનાને પગલે કચેરીમાં રહેલું તમામ રેકર્ડ બળીને ખાખ થઈ ગયું હતું. રહસ્યમય રીતે આગ લાગી હોવાથી એફએસએલની ટીમને પણ તપાસ અર્થે બોલાવવામાં આવી હતી.કર્મચારીઓએ એવો દાવો કર્યો હતો કે કચેરીમાં પાવર રાત્રીના સમયે બંધ કરી દેવામાં આવે છે. જેથી શોર્ટસર્કીટ થવાની શક્યતા જણાતી નથી તો આ કચેરીમાં આગ કેવી રીતે લાગી તે પણ એક ગહન તપાસનો વિષય બની ગયો છે.