Get The App

ફિઝિયોથેરાપીનો વિદ્યાર્થી રાત્રે ઊંઘી ગયા બાદ સવારે ઉઠયો જ નહી

લુણાવાડા નજીકના ગામના મૂળ વિદ્યાર્થીના રહસ્યમય મોત અંગે પોલીસની તપાસ

Updated: Dec 1st, 2024

GS TEAM

Google News
Google News
ફિઝિયોથેરાપીનો વિદ્યાર્થી રાત્રે ઊંઘી ગયા બાદ સવારે ઉઠયો જ નહી 1 - image

વડોદરા, તા.1 વડોદરા નજીક પવલેપુર ખાતેના એક મકાનમાં રાત્રે ઊંઘી ગયેલો ફિઝિયોથેરાપીનો વિદ્યાર્થી સવારે ઊંઘમાંથી જાગ્યો જ ન હતો. રહસ્યમય સંજોગોમાં વિદ્યાર્થીના મોત અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે લુણાવાડા તાલુકાના સોનિયાના મુવાડા ખાતે પટેલ ફળિયામાં રહેતો અક્ષય રામજીભાઇ ચૌધરી (ઉ.વ.૧૯)રાજસ્થાનના ઉદયપુર ખાતેની ફિઝિયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરતો હતો. તે અગાઉ વડોદરા નજીકની કોલેજમાં અભ્યાસ કરતો હોવાથી બે દિવસ પહેલાં તે વડોદરા નજીક અક્ષર રેસિડેન્સી ખાતે રહેતા મિત્રોને મળવા તેમજ તેમની સાથે રહેવા માટે આવ્યો હતો.

ગઇરાત્રે તેણે મિત્રો સાથે પુલાવ ખાઇ છાસ પીધી હતી અને  બાદમાં બીજા મિત્રની રૃમમાં જઇને ઊંઘી ગયો હતો. સવારે તેનો મિત્ર અક્ષયને ઊંઘમાં જ મૂકીને કોલેજ જતો રહ્યો હતો બાદમાં તેણે અક્ષયને ફોન કરતા તે ઉઠાવતો ન હતો જેથી રૃમમાં આવીને તપાસ કરતાં  અક્ષય બેભાન જણાતા તુરંત હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં તેનું મોત નિપજ્યું હોવાનું ડોક્ટરે જાહેર કર્યું  હતું. વાઘોડિયા પોલીસે આ અંગે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે. ડોક્ટરના પ્રાથમિક અભિપ્રાય મુજબ ઝેર પીધું હોવાનું જણાય છે જો કે સાચું કારણ તેના વિશેરાનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે.



Tags :