Gujarat

મ્યુનિ.કમિશનરે પરિપત્ર કર્યો, અમદાવાદના જાહેર સ્થળોએ લખાણમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરાયો

By GS Team
4 Mar 20221 min read
This article was originally published on 4 Mar 2022
મ્યુનિ.કમિશનરે પરિપત્ર કર્યો, અમદાવાદના જાહેર સ્થળોએ લખાણમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરાયો

  અમદાવાદ,શુક્રવાર,4 માર્ચ,2022

અમદાવાદ શહેરના તમામ જાહેર સ્થળો ઉપરાંત ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળોએ હવેથી અંગ્રેજી,હિન્દીની સાથે ગુજરાતી ભાષામાં ફરજિયાત લખાણ લખવા અંગે મ્યુનિસિપલ કમિશનરે પરિપત્ર કર્યો છે.રસ્તા ઉપરના સાઈન બોર્ડથી લઈ હોટલ,મોલ,બેન્ક સહિતના સ્થળોએ ગુજરાતી ભાષામાં લખાણ લખવુ પડશે.

મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ ઝોનલ ઓફિસ સહિત તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને  તથા વિવિધ ખાતાના વડા અધિકારીઓને અમદાવાદ શહેરમાં ગુજરાતી ભાષાનો બહોળો ઉપયોગ થાય એ માટે તાકીદે વ્યવસ્થા ગોઠવવા સુચના આપી છે.શહેરના તમામ જાહેર સ્થળો જેમાં માહિતી,નામ.સુચના કે દિશા નિર્દેશો લખવામાં આવ્યા હોય ત્યાં અંગ્રેજી અને હિન્દી ભાષાની સાથે ગુજરાતી ભાષામાં ફરજિયાત લખાણ લખવુ પડશે.

સરકારી પરિસરોની જેમ ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળો જેમ કે, થિયેટર,નાટયગૃહ, શાળા-કોલેજ, બેન્કવેટ હોલ, સુપર માર્કેટ,શોપીંગ મોલ, બેન્ક,હોસ્પિટલ,હોટલ તથા કેફે,વાંચનાલય તથા બગીચાઓ સહિતના તમામ સ્થળોએ આ સુચનાનો અમલ કરવાનો રહેશે.