વડોદરામાં પુત્ર અને પુત્રવધુએ ધમકી આપી ઘરમાંથી કાઢી મુક્યા હોવાની માતાની ફરિયાદ
- પુત્ર અને પુત્રવધુ સાથે રહેતી મહિલાને ધક્કા મારી ઘરમાંથી કાઢી મૂકી હુમલો કરવામાં આવ્યો હતો જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે
વડોદરા,તા.26 ઓગસ્ટ 2023,શનિવાર
માંજલપુર અંબે વિદ્યાલય સામે સન સિટી ટાઉનશિપમાં રહેતા 54 વર્ષના સુષ્માબેન જગદંબા પ્રસાદ મિશ્રાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં પુત્ર અનુરાગ તથા પુત્રવધુ શાલીની સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારા પતિનું બાર વર્ષ અગાઉ અવસાન થયું છે હું મારા પુત્ર અને પુત્રવધુ સાથે રહું છું. ગત 11મી ઓગસ્ટ સવારે 10:30 વાગે હું મારા ઘરે હતી તે સમયે મારા પુત્ર તથા પુત્રવધુએ મને કહેતા હતા કે તું ઘરમાંથી બહાર નીકળીજા, તેઓ ખોટી રીતે હેરાનગતિ કરી મારી સાથે ઝઘડો કરી ગાળો બોલવા લાગ્યા હતા અને બંનેએ ધક્કો મારીને મને ઘરમાંથી બહાર કાઢીને માર માર્યો હતો. મારો પુત્ર અને પુત્રવધુ હોવાથી તે સમયે મેં જતું કર્યું હતું.
ત્યારબાદ 21મી તારીખે સાંજે સાડા પાંચ વાગે હું મારા કામ અર્થે બહાર ગઈ હતી અને ત્યાંથી પરત કરી આવી ત્યારે મારો પુત્ર અને પુત્રવધુ મારી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. મને મારવાની ધમકી આપી હતી તેમજ વોશિંગ મશીન તથા ઓવનના વાયર કાપી નાખી મને હેરાન કરે છે મારી પુત્ર વધુ ધમકી આપે છે કે દહેજના ગુનામાં તમને અંદર કરાવી દઈશ.