Gujarat

શહેર અને જિલ્લામાં ધો.૧૦ અને ધો.૧૨ના ૧૧૩૪૫૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

By GS Team
23 Feb 20221 min read
This article was originally published on 23 Feb 2022
શહેર અને જિલ્લામાં ધો.૧૦ અને ધો.૧૨ના ૧૧૩૪૫૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

વડોદરાઃ ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ જાહેર કરી દેવાયુ છે.આ વર્ષે ૨૮ માર્ચતી ૧૨ એપ્રિલ સુધી બોર્ડ પરીક્ષા યોજવામાં આવશે.

વડોદરા શહેર-જિલ્લામાં કુલ મળીને ૨૯૪ કેન્દ્રો પર ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષા લેવામાં આવશે.વડોદરા શહેર-જિલ્લામાંથી ધો.૧૦ અને ધો.૧૨ માટે કુલ ૧૧૩૪૫૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે.

પહેલી વખત ધો.૧૦ની બોર્ડ પરીક્ષામાં ગણિત બેઝિક અને ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા લેવામાં આવનાર છે.કોરોનાના કારણે ગયા વર્ષે બોર્ડે માસ પ્રમોશન આપ્યુ હતુ અને પરીક્ષા લેવામાં આવી નહોતી.હવે બે વર્ષ બાદ બોર્ડ પરીક્ષા યોજાવા જઈ રહી છે.

ધો.૧૦ માટે વડોદરા શહેર જિલ્લામાં ૭૪૨૨૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે.શહેર-જિલ્લામાં ૧૫૮ કેન્દ્ર ોપર ૨૪૭૪ બ્લોકમાં આ પરીક્ષા લેવાશે.ડીઈઓ કચેરી દ્વારા પરીક્ષાની વ્યવસ્થાને ચાર ઝોનમાં વહેંચવામાં આવી છે.આ માટે ચાર અધિકારીઓની ઝોનલ ઓફિસર તરીકે નિમણૂંક કરાઈ છે.

ધો.૧૨ના સામાન્ય પ્રવાહ માટે શહેર જિલ્લામાં ૩૦૫૭૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે.૯૫ કેન્દ્રોના ૧૦૧૯ બ્લોક પર આ પરીક્ષા લેવામાં આવશે.જ્યારે ધો.૧૨ સાયન્સ માટે વડોદરા શહેર જિલ્લામાંથી ૮૬૬૦ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે.ધો.૧૨ના વિજ્ઞાાન પ્રવાહ માટે ૪૧ પરીક્ષા કેન્દ્રો ઉભા કરવામાં આવશે.

સામાન્ય રીતે માર્ચના પહેલા સપ્તાહમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થતો હોય છે પણ દિવાળી પછી કોરોનાના કેસ વધ્યા હતા અને એ બાદ ઓમિક્રોનના કારણે કોરોનાની ત્રીજી લહેર પણ આવી હતી.જેથી બોર્ડ પરીક્ષા બે સપ્તાહ સુધી પાછી લેવાનુ નક્કી કરાયુ હતુ.