વડોદરા કોર્પોરેશન દ્વારા "મારી માટી મારો દેશ" કાર્યક્રમ યોજાયો

- શીલા ફલકમનું સ્થાપન, પંચપ્રણ ,વૃક્ષારોપણ, વીર જવાનોના પરિવારજનોનું સન્માન અને દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ આયોજિત કર્યો
વડોદરા,તા.17 ઓગસ્ટ 2023,ગુરૂવાર
દેશભરમાં તારીખ 9 થી 30 ઓગસ્ટ સુધી આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મારી માટી મારો દેશ કાર્યક્રમ આજરોજ આજવા રોડ, કમલા નગર તળાવ ખાતે યોજાયો હતો.

કાર્યક્રમના પ્રારંભમાં વીર શહીદોના એમ્બલમ પર પુષ્પ રિંગ અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ માટીને વંદન વીરોને નમન કાર્યક્રમ અંતર્ગત શીલા ફલકમનું સ્થાપન કરવામાં આવ્યું હતું.સમારોહમાં ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા પંચપ્રણ કરાયું હતું. જેમાં રાષ્ટ્રની રક્ષા, સન્માન અને પ્રગતિ માટે સમર્પિત રહેવાના શપથ લેવાયા હતા. કુંભમાં એકત્રિત માટીને દિલ્હી લઈ જવામાં આવશે. જ્યાં અમૃત વનના નિર્માણ માટે તેનો ઉપયોગ કરાશે.

ધ્વજવંદન બાદ તળાવ કિનારે વૃક્ષારોપણ પણ કરાયું હતું. કમલા નગર તળાવ ખાતે શાળાના બાળકો પણ હાથમાં ત્રિરંગો ધારણ કરી ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દેશ માટે શહીદ થયેલા સ્વાતંત્ર સેનાનીઓ અને વીર જવાનોના પરિવારજનોનું સન્માન તેમજ કલાકારો દ્વારા દેશભક્તિના ગીતોનો અને શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પંડિત દિન દયાળ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

