Get The App

પ્રવાસન્-યુદ્ધની સ્થિતિ માટે કચ્છના માંડવી એરપોર્ટનો રન-વે લંબાવાશે

-માંડવી એરપોર્ટની એરસ્ટ્રિપને લંબાવવાની તૈયારીઓ શરૃ

-રન-વે ૧૨૦૦ મીટર સુધી લંબાવવાની દરખાસ્ત મંજૂર થશે તો એટીઆર, બોમ્બાર્ડિયર પ્રકારના વિમાનો આવી શકશે

Updated: Nov 27th, 2021

GS TEAM

Google News
Google News

અમદાવાદ,શનિવાર

કચ્છ પ્રવાસન્ સ્થળ તરીકે અલાયદું સ્થાન ધરાવે જ છે, તેની સાથે સરહદી સલામતી માટે પણ તેનું ખૂબ જ મહત્વ છે. આ બંને પાસાઓને ધ્યાનમાં રાખીને હવે કચ્છના માંડવી એરપોર્ટના રન-વેને લંબાવવાની તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે. માંડવી એરપોર્ટનો હાલનો રન-વે ફક્ત ૧૫૦૦ મીટરનો છે. આ એર સ્ટ્રીપ પર હાલમાં એકદમ નાના ચાર્ટડ વિમાનો ટેકઓફ-લેન્ડ કરી શકે તેટલી ક્ષમતા ધરાવે છે. પરંતુ હવે આ રન-વે પર રાજ્ય સરકારનું નવુ ચેલેન્જર ૬૫૦ ઉપરાંત ૭૨ સીટર એટીઆર અને બોમ્બાર્ડીયર પ્રકારના વિમાનો ટેકઓફ- લેન્ડ થઇ શકે તે માટે તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે.

માંડવી સહિત કચ્છ-ભુજ અને ધોળાવીરાની આખી ટૂરીઝમ સકટ ટૂરીસ્ટોમાં વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહે તે માટે  અમરેલીના માંડવી એરપોર્ટની એરસ્ટ્રીપને ઘણાય વર્ષો બાદ એક્સપાન્સન માટેની તૈયારીઓ શરૃ દેવામાં આવી છે. રાજ્યના સ્ટેટ એવિએશન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક કલેક્ટર સાથે ઉચ્ચ સ્તરીય બેઠક મળી ચુકી છે. પરંતુ આ રન-વેને પહોળો કરવો અતિ પડકારજનક હોવાનું જાણવા મળ્યુ છે.

 માંડવી એરપોર્ટના રન-વેમાં  રાજ્ય સરકારનું નવુ ચેલેન્જર ૬૫૦ ઉપરાંત ૭૨ સીટર એટીઆર અને બોમ્બાર્ડીયર પ્રકારના વિમાનો ટેકઓફ- લેન્ડ થઇ શકે તે માટે તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી છે. જેના માટે હવે વધુ ૧૦૦૦થી ૧૨૦૦ મીટર રન-વે લંબાવાવાની જરૃરીયાત ઉભી થઇ છે. જેની એક દરખાસ્ત તૈયાર કરી ત્યાંના સ્થાનિક કલેક્ટરને પણ સુપરત કરાઇ છે જેથી આગામી સમયમાં રન-વેની કામગીરી આરંભવામાં આવે. રાજ્યના સ્ટેટ એવિએશન અને ગુજસેલની ટીમે સ્થાનિક કલેક્ટર પાસે જમીન સંપાદીત કરવા ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી જેમાં રન-વેના એક્સપાન્શનને લઇ ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી.

નવાઇની વાત એ છે કે, રન-વેને પહોળો કરવા જમીન સંપાદન કરવાની કામગીરી એકદમ પડકારજનક રહેશે એટલે તેમાં સમય પણ લાગશે. કારણ કે રન-વેની એકબાજુ સીધો રાજમહેલ અને તેની પાછળ સીધો દરિયો આવે છે આમ ટેકઓફના એપ્રોચ પરની આ જગ્યા પરથી જમીન સંપાદિત થઇ શકે તેમ નથી. જ્યારે સીટી બાજુના લેન્ડીંગ એપ્રોચમાં બિલ્ડીંગો અને હોટલો અને ફાર્મ હાઉસ આવેલા છે તેને હટાવવાનું કામ ઘણુ મુશ્કેલ છે.

આ જગ્યા પર જમીન સંપાદીત કરવામાં સમય પણ જશે. એટલું  જ નહીં રન-વેની આસપાસ અન્ય કોઇ ખાલી સરકારી  જગ્યા પણ નથી જેથી રન-વેની આજુબાજુ જમીન સંપાદીત કરવી મુશ્કેલભર્યુ કામ છે.  મહત્વનું એ છે કે ગુજરાતમાં હવે ઉડાન હેઠળ આંતર રાજ્ય હવાઈ સેવા શરૃ થઈ રહી છે.  થોડા વર્ષ પહેલા પોરબંદર એરપોર્ટ બે વર્ષ પેહલા ઓપરેશનમાં આવ્યું હતું. હવે આગામી ટૂંક સમયમાં કેશોદ હવે માંડવી એરપોર્ટ પર એટીઆર  એરક્રાફ્ટ ઉતરવાની તૈયારી શરૃ કરવામાં આવી છે.

દાંતા એરપોર્ટ માટે હજુ જમીન મળી નથી

રાજ્ય સરકારે ઘણા વખત પહેલા અંબાજી શક્તિપીઠ યાત્રાધામ પર લાખોની સંખ્યામાં આવતા શ્રધ્ધાળુઓને ધ્યાનમાં રાખી દાંતા નજીક એરપોર્ટ બનાવવા જાહેરાત કરી હતી. પરંતુ દાંતાની આસપાસ પહાડી વિસ્તાર ઉપરાંત એકસાથે વિશાળ ખુલ્લી જગ્યા મળતી નથી. જેથી આખો પ્રોજેક્ટ ટલ્લે ચડયો છે.

 

Tags :