વડોદરા પોલીસ ભવનમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા શખ્સ દ્વારા પત્નીની પાસે દહેજની માંગણી કરીને ત્રાસ
image : Freepik
- પોલીસ ભવનમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા યુવક દ્વારા પત્નીને પાસે દહેજની માંગણી કરી ત્રાસ ગુજારી ઘરેથી કાઢી મૂકવામાં આવી હતી જે અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે
વડોદરા,તા.26 ઓગસ્ટ 2023,શનિવાર
ન્યુ વીઆઇપી રોડ ખોડીયાર નગરમાં રહેતી પરણીતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારા લગ્ન નિલેશ અરવિંદભાઈ સોલંકી રહેવાસી આજવા રોડ સાથે મે 2014માં થયા હતા. લગ્ન બાદ હું સાસરીમાં રહેવા ગઈ હતી મારા પતિ કોર્પોરેશનમાં સફાઈ સેવક તરીકે નોકરી કરતા હતા અને પોલીસ ભવન ખાતે કોન્ટ્રાક્ટમાં સુપરવાઇઝર તરીકે પણ નોકરી કરતા હતા. તેઓ મને અવારનવાર કોન્ટ્રાક્ટ ચલાવવા માટે પિયરમાંથી પૈસા લઈ આવવા માટે દબાણ કરતા હતા.
દસ લાખની માંગણી કરી મારી પર ત્રાસ ગુજરાતતા હતા. અમને સંતાન ન થતું હોવાથી હોસ્પિટલમાં રિપોર્ટ કઢાવવા માટે ગયા હતા. મારો રિપોર્ટ કરાવ્યો હતો પરંતુ મારા પતિએ તેમનો મેડિકલ રિપોર્ટ કરાવ્યો ન હતો અને કહ્યું હતું કે તું બાળક પેદા કરી શકે તેમ નથી. ત્યારબાદ તેઓ મને પિયરમાં મૂકી આવ્યા હતા અને તેડતા નથી તેમજ છૂટાછેડા માટે ધમકી આપે છે.