Get The App

માંડવી ખાતે રામલલ્લાની મહાઆરતી પ્રતાપનગર અને સલાટવાડાથી આજે સાંજે વાજતે ગાજતે શોભાયાત્રા

અયોધ્યાથી લાવેલી માટીમાંથી બનાવેલી મૂર્તિના દર્શન ઃ કર્ણાટકથી આવેલ હનુમાનદાદાનું આકર્ષણ

Updated: Apr 16th, 2024

GS TEAM


Google News
Google News
માંડવી ખાતે રામલલ્લાની મહાઆરતી  પ્રતાપનગર અને સલાટવાડાથી આજે સાંજે વાજતે ગાજતે શોભાયાત્રા 1 - image

વડોદરા, તા.16 રામ જન્મોત્સવના પર્વે હિન્દુ એકતા દિવસ ઉજવવા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું રામનવમીએ આયોજન કરવામાં આવ્યું છે. સાંજના ૫ કલાકે ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિર પ્રતાપનગરથી શોભાયાત્રા પ્રસ્થાન કરશે. એ પૂર્વે ભગવાન શ્રી રામની પ્રતિમાની પૂજા-અર્ચના, આરતી વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવશે.

આ પ્રસંગે શ્રી હનુમાનજીની વેશભૂષા પરિધાન કરીને જોડાનાર યુવાન શોભાયાત્રાના માર્ગમાં ભારત માતાના સિંહાસન પર બિરાજેલા પ્રભુ શ્રી રામજીની ભવ્ય પ્રતિમાના વડોદરા વાસીઓને રામભક્તિના દર્શન કરાવશે. ભગવાન શ્રી રામની પ્રતિમાને શણગારેલી પાલકીમાં બિરાજમાન કરાશે. નાના ભૂલકાઓ વિવિધ દેવી-દેવતાઓ તથા શિવજીની વૈશભૂષા પરિધાન કરીને શોભાયાત્રામાં જોડાશે.

આ શોભાયાત્રાનું માર્ગમાં ઠેર ઠેર પુષ્પહાર તથા આરતી દ્વારા સ્વાગત કરાશે. માંડવી ખાતે શ્રી રામલલ્લાની મહાઆરતી વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ ઉતારશે. આ શોભાયાત્રા ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિર, પ્રતાપનગરથી ચોખંડી, માંડવી, લહેરીપુરા થઈ લાલકોર્ટ પાસે આવેલ શ્રી રામ મંદિર, તાડફળીયા ખાતે સમાપન થશે.

વિશ્વહિન્દુ પરિષદ બજરંગ દળ રાવપુરા પ્રખંડ વડોદરા મહાનગર દ્વારા આ વર્ષે સાંજે ૪.૩૦ વાગે શોભાયાત્રાનું આયોજન કરેલ છે. સર્વ પ્રથમ વાર અયોધ્યાથી લાવેલ માટીમાંથી બનાવેલ મૂર્તિના દર્શન કરાવાશે. મુખ્ય આકર્ષણમાં કર્ણાટકથી આવેલ હનુમાન દાદા અને વેશભુષામાં નાના બાળકો સાથે તલવાર અને લાઠીના કરતબ દર્શાવશે.

સલાટવાડા ત્રણ રસ્તા, વિહિપ મહાનગર કાર્યાલયથી પ્રસ્થાન કરી શોભાયાત્રા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોકથી કોઠી ચાર રસ્તા થઈ, સૂર્યનારાયણ બાગ, ખારીવાવ રોડ, જમ્બુ બેટ, બંબાખાના ચાર રસ્તા, નવરંગ રોડ, ટાવર, જ્યુબીલીબાગથી ભક્તિ સર્કલ, ગાંધીનગર ગૃહથી ભગવા ચોક લહેરીપુરા જશે.



Tags :