લેન્ડ ગ્રેબિંગ કેસ : સરકારી અધિકારીઓની પણ સંડોવણીની શંકા પોલીસે કોર્ટમાં વ્યક્ત કરી

૧૦૦ કરોડની સરકારી જમીન પચાવી પાડવાના ગુનામાં આગળ વધતી તપાસ, આરોપી સંજય સિંહના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર

Updated: Jan 25th, 2023


વડોદરા : વાઘોડિયારોડની રૃ.૧૦૦ કરોડથી વધુ કિંમતની સરકારી જમીન પચાવી પાડીને તેના પર વિશાળ બંગલો બનાવ્યા બાદ બાકીની જમીનમાં ૫૩ પ્લોટ પાડીને વેચાણ કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપી સંજયસિંહ પરમારના આજે પાંચ દિવસના રિમાન્ડ પુરા થતા પોલીસે વધુ ૧૦ દિવસના રિમાન્ડની માગણી કરી હતી.જો કે  કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

પ્લોટના વેચાણ પૈકી આવેલી કરોડોની એડવાન્સ રકમમાં સંજયસિંહના ભાગીદારો કોણ

પોલીસે કોર્ટ સમક્ષ રિમાન્ડની માગણી સાથે કારણો દર્શાવ્યા હતા કે 'સરકારી જમીન પર ૫૩ પ્લોટ પાડયા છે અને તેમાંથી લગભગ ૨૮ પ્લોટનું વેચાણ કર્યુ છે. આ વેચાણ પૈકી આવેલા એડવાન્સ રૃ. ૩ થી ૪ કરોડની રકમમાં સંજયસિંહ ઉપરાંત અન્ય લોકોનો પણ ભાગ હોવાની પુરી શક્યતાઓ છે તેમાં સરકારી કર્મચારી કે અધિકારી પણ હોઇ શકે છે.જે અંગે સંજયસિંહે હજુ સુધી માહિતી આપી નથી. 

રિમાન્ડ દરમિયાન આ જમીનને લગતા બે બે ફોર્મ મળી આવ્યા છે જેમાં કલેક્ટરની સાથે મહિજીભાઇ જીણાભાઇ રાઠોડનું નામ છે તે બાબતે સંજયસિંહ ગોળગોળ જવાબ આપે છે અને કહે છે કે તેને જાણકારી નથી એટલે આ ફોર્મ બાબતે પણ તપાસ કરવાની બાકી છે. એચડીએફસી બેન્કના જે ખાતામાં રૃ. દોઢ કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે તે તમામ પૈસા સંજયસિંહે ઉપાડી લીધા છે આ એકાઉન્ટમાં સંજયસિંહની સાથે જોઇન્ટમાં શાંતાબેનનું નામ છે. બેન્ક કર્મચારીની પુછપરછ કરતા માહિતી મળી કે બેન્ક કેવાયસી ફોર્મમાં શાંતાબેને સહી કરેલી છે પરંતુ શાંતાબેન અભણ છે અને તેએ અંગુઠો મારે છે તો આ સંબંધે પણ વધુ તપાસ કરવાની છે. ઉપરાંત આઇઓસી બેન્કમાં પણ સંજયસિંહે શાંતાબેન રાઠોડ સાથે જોઇન્ટ એકાઉન્ટ ખોલાવ્યુ છે તેની પણ તપાસ કરવાની બાકી હોવાથી ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કરવામા આવે.

સંજય પરમારની સ્કિમમાં પ્લોટ ખરીદનાર ૧૮ લોકોના પોલીસે નિવેદન લીધા, ૧૬ના જ જાહેર કર્યા બે નામ છુપાવીને કોને બચાવવા માગે છે

સંજયસિંહના પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસે પ્લોટ ખરીદનાર ૧૮ લોકોના નિવેદન લીધા હતા આ તમામ લોકોએ માહિતી આપી હતી કે 'સંજયસિંહે જ તેઓને પ્લોટ અંગે માહિતી અને જાણકારી આપી હતી અને તેઓએ પૈસા પણ સંજયસિંહને જ આપ્યા હતા.

જો કે પોલીસે રિમાન્ડ અરજી માટે કોર્ટમાં જે સોદંગનામુ રજૂ કર્યુ છે તેમાં પ્લોટ ખરીદરનાર ૧૮ લોકોના નિવેદન લેવાયા છે એવુ દર્શાવ્યુ છે પરંતુ નામ માત્ર ૧૬ના જ રજૂ કરવામાં આવ્યા છે આમ બે નામ છુપાવીને પોલીસ કોને બચાવવા માગે છે તે ચર્ચાનો વિષય છે.

પોલીસે  ૧) ઇશિતા હસમુખભાઇ વાઘેલા,૨) પ્રવિણભાઇ ઇશ્વરભાઇ રાજપુત,૩) સોનલબેન પ્રકાશચંદ્ર સોની,૪) હરિવદન મથુરભાઇ ગાંધી,૫) માયાબેન ચન્દ્રેશભાઇ પટેલ,૬) ધર્મિષ્ઠાબેન હિરેનભાઇ મિસ્ત્રી,૭) વંદનાભેન દેવાંગભાઇ દેસાઇ,૮) પ્રાપ્તીબેન ચન્દ્રેશભાઇ પટેલ,૯) જુગલ સુર્યકાન્ત પુરાણી,૧૦) રણજીતસિંહ જશવંતસિંહ રાઠોડ,૧૧) સોનલ હરેશભાઇ રબારી,૧૨) રાજેન્દ્રકુમાર કાંતિલાલ ભટ્ટ,૧૩) પરેશકુમાર શંકરલાલ શાહ,૧૪) પ્રયક અનિલકુમાર પંડયા,૧૫) કંચનબેન પરેશકુમાર શાહ અને ૧૬) સંગીતાબેન રણજીતભાઇ પરમારના નિવેદન લીધા હતા

    Sports

    RECENT NEWS