Get The App

વડોદરાની સાયલી KJIT કોલેજમાં મિકેનિકલના વિદ્યાર્થીનો ફાંસો ખાઇ આપઘાત

- ચાર દિવસથી સુનમુન રહેતા દાહોદ જિલ્લાના વિદ્યાર્થીએ હોસ્ટેલમાં જીવન ટૂંકાવતા પોલીસની તપાસ

Updated: Feb 9th, 2020

GS TEAM

Google News
Google News
વડોદરાની સાયલી KJIT કોલેજમાં મિકેનિકલના વિદ્યાર્થીનો ફાંસો ખાઇ આપઘાત 1 - image

સાવલી તા.૯ ફેબ્રુઆરી, રવિવાર

વડોદરા જિલ્લાના સાવલી-હાલોલ રોડ પર આવેલી કે.જે.આઇ.ટી. એન્જિનિયરિંગ કોલેજમાં મિકેનિકલના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ૧૮ વર્ષના વિદ્યાર્થીએ હોસ્ટેલના રૃમમાં દોરી વડે પંખે લટકીને ફાંસો ખાઇ આત્મહત્યા કરતા ચકચાર મચી છે. સાવલી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી મોતનું કારણ શોધવા તજવીજ હાથ ધરી છે.

સાવલીમાં આવેલી કે.જે.આઇ.ટી. કોલેજમાં મિકેનિકલના બીજા વર્ષમાં અભ્યાસ કરતો ૧૮ વર્ષીય રોનક રણજીતભાઇ બસી (રહે.ભંભોરી તા.જી. દાહોદ) કાલે સાંજે હોસ્ટેલની પોતાની રૃમની બાજુની રૃમમાં જઇને કપડા સુકવવાની દોરી વડે પંખા પર લટકીને ગળા ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાથી સમગ્ર કોલેજ કેમ્પસના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણમાં સન્નાટો છવાયો હતો. બનાવની જાણ કોલેજ સત્તાવાળાઓએ સાવલી પોલીસને કરતા ઘટનાસ્થળે પહોંચી વિદ્યાર્થીના મૃતદેહનો કબજો લઇને જરૃરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે અને મરનારના સંબંધીઓને જાણ કરતા તેઓ પણ કોલેજ ખાતે દોડી આવ્યા હતાં.

સાવલી પોલીસે મોતનું કારણ શોધવા તજવીજ હાથ ધરી છે જ્યારે કોલેજના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતુંકે રોનક બસી મિકેનીકલના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને છેલ્લા બે-ચાર દિવસોથી ભારે ગુમસુમ રહેતો હતો. તે માત્ર જમવા પુરતો જ બહાર આવતો હતો અને ત્યારબાદ પથારીમાં ભરાઇ જઇ પોતાના મોબાઇલમાં વ્યસ્ત રહેતો હતો. ઉલ્લેખનીય છે કે પંખે લટકવાના કારણે દોરી લાંબી થઇ જતા મરનાર રોનકના પગ પણ જમીન પર અડી ગયા હતા જ્યારે મરનારના સગા-સંબંધીઓએ મોત બાબતે શંકા વ્યક્ત કરી હતી.

સાવલી પોલીસે મરનારનો મોબાઇલ રીકવર કરી કોલ ડીટેઇલ અને અન્ય સર્ફીગના આધારે મોતનું ચોક્કસ કારણ જાણવાના પ્રયત્નો હાથ ધર્યા છે. 



Tags :