બે લાખનું દેવું ચૂકવવા માટે ૭ વર્ષના બાળકનું અપહરણ કરીને ઘરમાં પૂરી દીધો
બાળકીની સાથે જ ભણતી માસૂમ બાળાની હોંશિયારીથી બાળકનો હેમખેમ છૂટકારો
વડોદરા,તા,27,જાન્યુઆરી,.2020,સોમવાર
વાઘોડિયા રોડ પર રહેતા ઈલેક્ટ્રિકનું કામ કરતા યુવકે ધંધામાં બે લાખનું દેવું થઈ જતાં નજીકમાં જ રહેતા ૭ વર્ષના માસૂમ બાળકનું અપહરણ કરી હાથ બાંધી મોઢે પટ્ટી લગાડી ખટંબા ગામની સોસાયટીના એક મકાનમાં પૂરી દીધો હતો. જો કે આ જ સોસાયટીમાં રહેતી અને અપહ્યુત બાળક સાથે ભણતી નાની બાળકી આ છોકરાને ઓળખી ગઈ હતી. અને પોતાના ઘરે વાત કરી હતી. જેથી બાળકીની હોંશિયારીના કારણે અપહરણ કારની યોજના નિષ્ફળ નિવડી હતી. અને બાળકને હેમખેમ મુકત કરાવવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે વાઘોડિયા રોડની એક સોસાયટીમાં રહેતો શખ્સ માર્કેટીંગનો ધંધો કરે છે. તેનો ૭ વર્ષનો પુત્ર ધોરણ બેમાં અભ્યાસ કરે છે. ગત ૨૫ મી જાન્યુઆરીએ સવારે આઠ વાગ્યે શખ્સ વેપાર ધંધા મટો ઘરેથી નિકળ્યા હતા. તેમનો નાનો પુત્ર સ્કૂલેથી ઘરે આવી કપડાં બદલી સોસાયટીના રોડ પર સાયકલ ચલાવવા માટે ગયો હતો. તે દરમિયાન વાઘોડિયા રોડની વૈકુંઠ-૧ સોસાયટીમાં ભાડેથી રહેતો આશિષ અશ્વિનભાઈ રાજપૂતે માસૂમ બાળકને ૧૦ રૃપિયા આપી ચોકલેટ લેવા માટે હાઈવે તરફની દુકાનમાં મોકલ્યો હતો. આશિષ રાજપૂત બાઈક લઈને પાછળ પાછલ બાળકની પાછળ પાછળ ગયો હતો. અને બાળકની સાયકલ દુકાન પાસે મૂકાવીને બાઈકની પાછળ બેસાડી દીધો હતો. ત્યારબાદ વાઘોડિયા રોડ ખટંબા ગામની સીમમાં આવેલી ચેતીગ્રીન સોસાયટીના એક મકાનમાં લઈ ગયો હતો. જ્યાં બાળકના હાથ બાંધી ઘૂંટણ અને મોઢા પર પટ્ટી લગાવી દીધી હતી. અને ચપ્પુ બતાવી ધમકી આપી હતી કે તારી આંગળી કાપી નાંખીશ. જો રડીશ તો તને કરંટ લાગશે અને આ બોક્ષમાં બોટલ છે. તે બોમ્બ હું ફોડી નાંખીશ.
ત્યારબાદ આરોપી મકાન બંધ કરીને જતો રહ્યો હતો. ૭ વર્ષનો બાળક ઘરની જાળી પાસે ઉબો હતો તે દરમિયાન તેની સામે ટયુશન કલાસમાં આવતી બાળકી તેને ઓળખી ગઈ હતી. અને બાળકીએ પોતાના પિતાને વાત કરી હતી કે પપ્પા અમારા ટયુશન કલાસમાં આવતો છોકરો અહીંયા મકાનમાં છે. જેથી બાળકીના પિતાએ જઈને તપાસ કરી બાળકનું નામ પૂછી ટયુશન કલાસના મેડમને કોલ કર્યો હતો.
આ તરફ બાળક ગુમ થવાની ચિંતામાં આવેલો પરિવાર તેની શોધખોળ કરતો હતો. તે દરમિયાન ટયુશન કલાસના મેડમે બાળકના પિતાનો કોલ કરી બધી હકીકત જણાવી હતી. અને પરિવારજનોએ ખટંબા જઈને પુત્રને મુકત કરાવ્યો હતો. પાણીગેટ પીઆઈ. બી.એમ.રાણાએ આરોપી આશિષને તેના ઘરેથી જ ઝડપી પાડયો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં એવી વિગતો જાણવા મળી છે કે આશિષ ઈલેકટ્રીકનો ધંધો કરે છે અને ધંધામાં બે લાખ દેવું થઈ જતાં લેણદારોને રૃપિયા ચૂકવવા માટે તેને આ બાળકનું અપહરણ કર્યું હતુ. ક્રાઈમ પેટ્રોલ સિરિયલ જોઈને તેને આ પ્લાન બનાવ્યો હતો.