આઇટીના દરોડા ઝવેરી સિક્યુરિટિઝ અને અવનિ પેટ્રોકેમમાં બીજે દિવસેય ચાલુ
નાણાકીય વ્યવહારોને લગતા ડેટા તેમજ વાંધાજનક દસ્તાવેજો જપ્ત ઃ મોડીરાત સુધી પૂછતાછ ચાલુ રહી
વડોદરા, તા. 23, જાન્યુઆરી, 2020 શુક્રવાર
વડોદરામાં અગ્રણી શેરદલાલ અને સ્ટોક બ્રોકિંગ કંપની ઝવેરી સિક્યુરિટિઝ અને અવનિ પેટ્રોકેમ કંપની પર આવકવેરા વિભાગે ગુરૃવારની સવારથી સામુહિક દરોડાની શરૃ કરેલી કામગીરી આજે પણ ચાલુ રહી હતીઅને શનિવાર સુધી ચાલુ રહેશે તેમ જાણવા મળ્યું છે.
આવકવેરા વિભાગના ૧૫૦ જેટલા અધિકારીઓએ કમલઝવેરીની ઝવેરી સિક્યુરિટિઝ તથા દીપક શાહની અવનિ પેટ્રોકેમ કંપની ઓફિસો, ધંધાકીય સ્થળો, ફેકટરી, નિવાસસ્થાન વગેરે મળી ૩૦ જગ્યાએ દરોડાની કામગીરી ચાલુ કરી હતી. ઝવેરી સિક્યુરિટિઝની સયાજીગંજ પાયલ કોમ્પલેક્સમાં હેડઓફિસ છે અને અકોટા વિસ્તારમાં તેના માલિક, પુત્રોના નિવાસસ્થાન છે. અધિકારીઓએ ગઇ મોડીરાત સુધી હિસાબો અંગે પૂછતાછ કરવા ઉપરાંત વાંધાજનક દસ્તાવેજો મેળવ્યા હતા. શેર બ્રોકિંગ કંપની દ્વારા કેટલાક ડિમેટ એકાઉન્ટ દ્વારા બેનામી વ્યવહારો, બોગસ ખાતાઓ દ્વારા થયેલી આવકનો હિસાબ મેળવવા માટે કોમ્પ્યુટરાઇઝ ડેટા, નાણાકીય વ્યવહારોની વિગતો, શેર ટ્રાન્ઝેકશન, જૂના થયેલા સોદા વગેરેને લગતી વિગતો એકત્રિત કરી હતી, તેમજ દસ્તાવેજો જપ્ત કર્યા હતા. વડોદરામાં ઓઇલ અને પેટ્રોલિયમ પ્રોડકટ સાથે સંકળાયેલી અવનિ પેટ્રોલિયમ પ્રોડકટ સાથે સંકળાયેલી અને અકોટામાં મુખ્ય ઓફિસ અને જૂના પાદરા રોડ પર સંચાલકોના નિવાસસ્થાનો, હાલોલ પ્લાન્ટ વગેરે સ્થળે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. કંપનીના ટર્નઓવર, નાણાંકીય વ્યવહારો, હિસાબોના ડેટા વગેરે એકત્રિત કર્યા હતા, અને વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા હતા.