'ભારત એકમાત્ર એવો દેશ છે જેનું રાષ્ટ્રગીત રાષ્ટ્રભાષામાં લખાયું નથી'
લોર્ડ ભીખુ પારેખે મલ્ટીકલ્ચરનું શ્રેષ્ઠ ઉદાહરણ આપતા કહ્યું કે
ઉંમરમાં મોટી અને ઉચ્ચ હોદો ધરાવતી વ્યક્તિ સામે આંખમાં આંખ પરોવીને ન જોવું એ અમારી સંસ્કૃતિમાં આદર દર્શાવે છે
વડોદરા, તા.7 ફેબ્રુઆરી 2020, શુક્રવાર
એમ.એસ.યુનિ.ની આર્ટસ ફેકલ્ટીના પોલિટિકલ સાયન્સ વિભાગ દ્વારા અરવિંદો હોલ ખાતે 'ઇન્ડિયન મલ્ટીકલ્ચર અને તેના વિવિધ દ્રષ્ટિકોણ' વિશે લેક્ચરનું આયોજન કરાયું હતું.
ભારતના મલ્ટીકલ્ચર વિશે વાત કરતા એમ.એસ.યુનિ.ના ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર લોર્ડ ભીખુ પારેખે કહ્યું કે, ઈન્ડિયા નામ એ અંગ્રેજોની દેન છે આપણે તો પહેલેથી દેશ માટે 'ભારત' શબ્દનો જ પ્રયોગ કરતા હતા. મલ્ટીકલ્ચર એ આપણી તાકાત છે જે દરેક વસ્તુ, સ્થળ અને સંસ્કૃતિમાં જોવા મળે છે. દરેક દેશોના રાષ્ટ્રગીત તેમની રાષ્ટ્રભાષામાં લખાયેલા છે જ્યારે ભારત એકમાત્ર એવો દેશ છે જેનું રાષ્ટ્રગીત રાષ્ટ્રભાષા હિન્દી નહીં પણ બંગાળી ભાષામાં લખાયેલું છે.
જ્યારે હું લંડનમાં હતો ત્યારે ઘણા ઓફિસર્સ મારી પાસે ફરિયાદ લઈને આવતા કે ભારતીય વિદ્યાર્થીઓ ક્યારેય ઈન્ટરવ્યુમાં પાસ થતા જ નથી.તેનું કારણ પૂછતા તેઓએ કહ્યું કે, વિદ્યાર્થીઓ ઈન્ટરવ્યુ લેનાર સાથે આઈ કોન્ટેક્ટ કરતા જ નથી જેથી અમારે માટે તેઓમાં આત્મવિશ્વાસ ન હોવાનું પૂરવાર થાય છે. ત્યારે મેં કહ્યું કે, દરેક સંસ્કૃતિ અને તેની પરિભાષા અલગ છે તમારી સંસ્કૃતિમાં આઈકોન્ટેક્ટ આત્મવિશ્વાસ છે જ્યારે અમારી સંસ્કૃતિમાં તમારાથી મોટી ઉંમરની અથવા તો હોદ્દામાં ઉચ્ચ વ્યક્તિ સામે આંખમાં આંખ પરોવીને ન જોવાનું શીખવવામાં આવે છે. કારણકે તે સામેવાળી વ્યક્તિ પ્રત્યેનો તમારો આદર દર્શાવે છે.