કોરોના વકરતાં ટેસ્ટિંગમાં વધારો કરો : અહેમદ પટેલ
- સાંસદ અહેમદ પટેલનો વડાપ્રધાનને પત્ર
- ગરીબ દર્દી મોંઘા ભાવે દવા ખરીદવા મજબૂર બન્યાં : અહેમદ પટેલનો આરોપ
અમદાવાદ, તા. 30 જુલાઇ, 2020, ગુરૂવાર
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે. રોજના 1100થી વધુ કેસો નોંધાઇ રહ્યાં છે ત્યારે રાજ્યસભાના સભ્ય અહેમદ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી એવી રજૂઆત કરી છેકે, ગુજરાતમાં કોરોના વકર્યો છે ત્યારે ટેસ્ટનુ પ્રમાણ વધારો કરો.એટલું જ નહીં, જિલ્લા મથકોએ પણ કોરોનાનો ટેસ્ટ કરી શકાય તે માટેની વ્યવસ્થા ઉભી કરો.
રાજ્યમાં કોરોનાની સ્થિતી ધીરે ધીરે બેકાબુ બની રહી છે ત્યારે રાજ્યસભાના સભ્ય અહેમદ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી માંગ કરી છેકે, ગુજરાતમાં કોવિડ હોસ્પિટલમાં દર્દીની પ્રોટોકોલ મુજબ સારવાર થવી જોઇએ.
આ ઉપરાંત ભરૂચ સહિત અન્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે ભારત સરકાર તાકીદે કેન્દ્રની ટીમો ગુજરાત મોકલે. અહેમદ પટેલે પત્રમા એવો આક્ષેપ કર્યો કે, રાજ્ય સરકારે દવા અને ઇન્જેક્શનના કાળાબજારી પર રોક લગાવવી જરરી છે કેમકે, આજે ગરીબ દર્દીઓ મોંઘા ભાવે દવા અને ઇન્જેકશન ખરીદવા મજબૂર બન્યાં છે.
બીજી તરફ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અહેમદ પટેલના આક્ષેપનો જવાબ આપતાં કહ્યું કે, રાજ્યભરમાં કોરોનાને કાબૂમાં લેવા સુવિધા વધારવામાં આવી રહી છે. જયાં જરૂર જણાય ત્યાં વધુ સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે.ભજર સરકારની ગાઇડ લાઇન પ્રમાણે ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી રહી છે. શરૂઆતમાં રોજ ચાર-પાંચ હજાર સેમ્પલ લેવામાં આવતાં હતાં જયારે હવે આ આંકડો 23 હજાર પર પહોંચ્યો છે.