અમદાવાદ જિલ્લામાં કોરોનાના 50 ટકા કેસ ધોળકા, સાણંદમાં નોંધાયા
- 1,159 કેસમાંથી 583 કેસ બે તાલુકામાં જોવા મળ્યા
- શુક્રવારે જિલ્લામાં કોરોનાના વધુ 15 કેસ નોંધાયા જિલ્લામાં રિકવરી રેટ 86 ટકાએ પહોંચ્યો
અમદાવાદ,તા.24 જુલાઇ 2020, શુક્રવાર
અમદાવાદ જિલ્લામાં શુક્રવારે ૬ તાલુકામાં કોરોના પોઝિટિવના વધુ ૧૫ કેસ નોંધાયા હતા. જેમાં સાણંદમાં ૫, ધોળકામાં ૪, ધંધૂકામાં ૩ અને બાવળા, દસક્રોઇ, વિરમગામમાં ૧-૧ કેસ સામે આવ્યા હતા. કોરોના સંક્રમણના કુલ કેસનો આંકડો ૧,૧૫૯ થઇ ગયો છે. જેમાં સૌથી સારી બાબત એ છેકે ૯૯૭ લોકો સાજા થઇ ગયા છે.
સાણંદમાં રાધે વંદન, મામલતદાર ઓફિસ પાસે ગપ પારા, કાલોટ રોડ પર મંગલતીર્થ સોસાયટી, અણદેજ ગામે રોડ વારો વાસ તેમજ શેલા ગામે એપલવુડની પાછળ નંદ બાગ ખાતેથી કોરોના સંક્રમણના કેસ મળી આવ્યા હતા. સાણંદમાં કોરોના સંક્રમણના કુલ ૨૭૩ કેસ અત્યાર સુધી સામે આવી ચૂક્યા છે.
ધોળકામાં લક્કડીયા શેરી, સાધના ટોકિઝ, કલિકુંડમાં શ્રી કુંજ સોસાયટી, ધોળકા ટાઉન પોલીસ ખાતેથી કોરોનાના કેસ મળ્યા હતા. જિલ્લામાં ધોળકામાં સૌથી વધુ કેસ જોવા મળ્યા છે. જ્યાં કુલ કેસનો આંકડો ૩૧૦ સુધી પહોંચી ગયો છે.
ધંધૂકામાં સલાસર ગામે વધુ બે કેસ નોંધાયા છે તેમજ ધંધૂકામાં મહાત્મા નગરમાંથી એક કેસ સામે આવ્યો હતો. ધંધૂકામાં સારી બાબત એ છેક ત્યાં સંક્રમણ કાબૂમાં છે. અત્યાર સુધીમાં ત્યાંથી કુલ ૪૦ કેસ મળી આવ્યા છે.
બાવળામાં શાંતિકલશ સોસાયટીમાંથી, દસક્રોઇમાં કણભા ગામે ગોકુલ નગરમાંથી અને વિરમગામમાં દિન દયાલ સોસાયટીમાંથી કોરોનાના કેસ મળી આવ્યા હતા. સંક્રમણના મામલે બાવળા તાલુકો આગળ નીકળી રહ્યો છે. જ્યાં ૧૨૫ કેસ સામે આવી ચૂક્યા છે. દસક્રોઇમાં ૨૧૨ અને વિરમગામમાં ૧૨૪ કેસ જોવા મળ્યા છે.
જિલ્લામાં કોરોનાની બાબતમાં સારી બાબત એ જોવા મળી છે કે ત્યાં રિકવરી રેટ ૮૬ ટકા છે. જ્યારે કુલ કેસમાંથી મરણની ટકાવરી પાંચ ટકા છે. જિલ્લામાં કોરોનામાં કુલ ૫૮ મોત થયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૨,૦૧૭ લોકોને ૧૪ દિવસના હોમ કર્વારન્ટાઇનમાં મોકલી અપાયા હતા. જેમાંથી હાલમાં ૮,૪૦૫ લોકો 'હોમ કર્વારન્ટાઇન 'હેઠળ સારવાર લઇ રહ્યા છે.