સચેત નહીં રહેવાય તો કેસો વધશે
અમદાવાદ, તા. 20 જુલાઇ, 2020, સોમવાર
અમદાવાદમાં કોરોનાના કેસના આંકડા 149 સુધી નીચે ઉતર્યા બાદ ફરી 185ની ઉપર આવી ગયા છે. રોજેરોજ માઇક્રો કન્ટેન્મેન્ટ વધારવા પડે છે, તે જોતાં મ્યુનિ. તંત્ર ભલે 'ઝોનવાર કે વોર્ડવાર' નવા કેસના આંકડા જાહેર ના કરતું હોય તો પણ સ્થિતિ બગડી હોવાનું ચિત્ર ઉભું થાય છે.
દરમ્યાનમાં આજે કોરોનાના 178 નવા કેસ 24 કલાક દરમ્યાન નોંધાયા છે, જયારે 3 દર્દીઓના સારવાર દરમ્યાન સરકારી યાદી અનુસાર મૃત્યુ થયા છે.
દરમ્યાનમાં સાજા થયેલાં 186 દર્દીઓને જુદી જુદી હોસ્પિટલો તેમજ હોમ આઇસોલેશનમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. આ સાથે મ્યુનિ.ના વિસ્તારમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસોનો આંકડો 23316 નો થઇ ગયો છે, તેમજ કુલ મૃત્યુઆંક 1510ની ઉપર પહોંચી ગયો છે.
અગાઉ એકટિવ કેસોની સંખ્યા ઘટીને 2900 જેટલી થઈ ગઈ હતી, તે ફરી વધીને 3225ની થઇ ગઇ છે, તેમાંથી 1587 દર્દીઓ તો માત્ર પશ્ચિમના વિસ્તારોના જ છે.
હવે જયારે સ્થિતિ કોમ્યુનિટી સ્પ્રેડિંગ તરફ જઈ રહી છે, ત્યારે વધુ સાવચેતીની જરૂર છે. આજે દિવાસો નિમિત્તે રિવરફ્રન્ટ ઉપર લોકોની એ હદની ભીડ જામી હતી કે, સોશ્યલ ડિસ્ટન્સિંગની ધજ્જીયા ઉડી જાય. માસ્ક પણ મોટાભાગના લોકોએ પહેર્યા ના હતા.
મ્યુનિ. તંત્ર અને પોલીસ તંત્ર બંને આ બાબતમાં ઉંઘતા ઝડપાયા છે. દર વર્ષની પદ્ધતિ અને રીતી રીવાજથી જાણકાર હોવા છતાં મ્યુનિ. તંત્રને વ્યવસ્થા ગોઠવવાનું સુઝયું ના હતું. હવે તહેવારોના મહિનાઓ શરૂ થઈ ગયા છે, ત્યારે જો આવી જ બેદરકારી દાખવશે તો સંક્રમણ બેકાબુ બની જશે તેમ જણાય છે.
ઉપરાંત સુપર- સ્પ્રેડર્સના ટેસ્ટ થયા તેમાંથી કેટલા પોઝિટિવ આવ્યા, કયાં દાખલ કરાયા તે વિગતો જાહેર કરાઇ નથી. કેટલાના હેલ્થકાર્ડ રિન્યુ કરાયા તે પણ અદ્ધરતાલ છે. શાકભાજી, ફળો, દુકાનદારોના ગળામાં હેલ્થકાર્ડ દેખાતા કેમ નથી ? તે પણ પ્રશ્ન છે.
બીજી તરફ ઉચ્ચ અધિકારીઓ દ્વારા મૃત્યુઆંક નીચો દેખાડવાના પ્રયાસો થઇ રહ્યાં છે, તે તો ઠીક પણ કુદરતી કે અન્ય કોઇ રોગથી મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં પણ શબવાહિની ચાર-ચાર કલાકે આવતી હોવાની ગંભીર ફરિયાદથી ભાજપના કોર્પોરેટરો પણ અકળાયા છે. આઇએએસ અધિકારીઓ ખાનગી ટ્રસ્ટોની શબવાહિનીઓ હસ્તગત કેમ કરતા નથી કે બંધ પડેલી એએમટીએસની મીની બસોમાં શબવાહિનીઓ કેમ કરી નાખતા નથી, તે સવાલ અનુત્તર છે.
કયા ઝોનમાં કેટલાં એકટિવ દર્દીઓ ?
|
મધ્યઝોન |
274 |
|
ઉત્તરઝોન |
442 |
|
દક્ષિણ પશ્ચિમ ઝોન |
473 |
|
પશ્ચિમ ઝોન |
596 |
|
ઉત્તર પશ્ચિમ ઝોન |
518 |
|
પૂર્વ ઝોન |
456 |
|
દક્ષિણ ઝોન |
466 |
|
કુલ |
3225 |


