અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ : વધુ 186 દર્દી નોંધાયા, 6ના મૃત્યુ થયા
- મરણનો 'સરકારી' આંકડો પણ 1500ની ઉપર જતો રહ્યો
- સ્મશાન- કબ્રસ્તાનમાં નોંધાતા મરણના આંકડા આવી જતા રોષે ભરાયેલા ઉચ્ચ અધિકારીઓએ નીચેના અધિકારીઓને ખખડાવ્યા
અમદાવાદ, તા. 19 જુલાઇ, 2020, રવિવાર
અમદાવાદમાં સ્થિતિ નિયંત્રણમાં હોવાના મ્યુનિ. તંત્રના દાવા છતાં, કોરોનાનો પ્રકોપ અને ડર યથાવત્ રહેવા પામયા છે. આજે એક જ દિવસમાં નવા 186 કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે વધુ 6 દર્દીઓના સારવાર દરમ્યાન કરૂણ મૃત્યુ થયા છે.
બીજી તરફ કોરોનાને હટાવી સાજા થયેલા 148 લોકો જુદી જુદી હૉસ્પિટલોમાંથી રજા અપાઈ છે. જો કે નવા નોંધાતા કેસોમાં સુરત, અમદાવાદથી આગળ નીકળી ગયું છે. દરમ્યાનમાં અમદાવાદ મ્યુનિ.ના વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ દર્દીઓની સંખ્યા 23138ની થઈ ગઈ છે, જ્યારે કુલ મૃત્યુઆંક 1507ના આંકને આંબી ગયો છે.
હાલ ખાનગી હૉસ્પિટલના 876 બેડ ભરેલા છે, તેમાંતી 81 વેન્ટીલેટર પર આઇસીયુમાં છે એસવીપી હોસ્પિટલના આઇસીયુ બેડ પણ ભરેલા જ છે. શહેરના 206થી વધુ વિસ્તારોમાં માઇક્રો કન્ટેન્મેન્ટ કરવામાં આવ્યા છે એટલે સ્થિતિ ધારવામાં આવે છે, એટલી કાબૂમાં નથી.
બીજી તરફ કોરોનાના જાહેર કરવામાં આવતા મૃત્યુના આંકડા અને સ્મશાન તેમજ કબ્રસ્તાનમાં નોંધાતા આંકડા વચ્ચે મોટો તફાવત હોવાની બાબત સપાટી પર આવી જતાં મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓ રોષે ભરાયા છ.
આ સંદર્ભમાં જન્મ- મરણ નોંધણીની કામગીરી સંભાળતા અને સ્મશાન- કબ્રસ્તાનનું મેનેજમેન્ટ સંભાળતા અધિકારીઓને રિવરફ્રન્ટની ઓફિસમાં બોલાવીને ઉચ્ચ અધિકારીઓએ ખખડાવ્યા હતા. મરણની વિગતો ક્યાંથી, કઈ રીતે અને કોના દ્વારા લીક થાય છે, તેની તપાસ કરવા તાકીદ કરી હતી. ખખડાવાની પદ્ધતિ પરથી જ એક બાબત તો નક્કી થઈ જ ગઈ છે કે તંત્ર ઘણું બધું સત્ય એવું છે જે છૂપાવવા માંગે છે.
ઉપરાંત કેટલાક ડોક્ટરોના મતે હવે કોમ્યુનિટી સ્પ્રેડિંગનો તબક્કો શરૂ થયો છે પિકની સ્થિતિ ઓગસ્ટમાં આવવાની છે ફરી લૉકડાઉનની જરૂર છે. કેટલાક વેપારી સંગઠનોએ જાતે પોતાના માર્કેટના સમય ઘટાડી દીધા છે.
આ તમામ બાબતો સ્થિતિ હજુ પણ ચિંતાજનક હોવાની બાબતની શાખ પૂરે છે. દરમ્યાન અમદાવાદમાં પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમના વિસ્તારોમાં સંક્રમણ વધતું જાય છે. 3193 એક્ટિવ કેસોમાં 1591 તો માત્ર પશ્ચિમના વિસ્તારોના જ છે. પશ્ચિમમાં અનલોકની છૂટછાટ થોડી વહેલી જાહેર કરી દેવાઈ હતી તેનું આ પરિણામ હોવાનું પણ કહેવાય છે.
કયા ઝોનમાં કેટલા એક્ટિવ કેસ ?
મધ્ય ઝોન |
265 |
ઉત્તર ઝોન |
443 |
દક્ષિણ પશ્ચિમ ઝોન |
455 |
પશ્ચિમ ઝોન |
612 |
ઉત્તર પશ્ચિમ ઝોન |
524 |
પૂર્વ ઝોન |
469 |
દક્ષિણ ઝોન |
425 |
કુલ |
3193 |