પીધેલી હાલતમાં એસઆરપી જવાને પોલીસને ફોન કરી દોડતી કરી દીધી
ગાંધીનગરના સેક્ટર-૧૫ ફતેપુરામાં
દારૃના અડ્ડા ચાલતા હોવાનો મેસેજ મળતા પોલીસ ત્રાટકી અને
દારૃ પીધેલા જવાન સહિત બુટલેગરોની પણ ધરપકડ કરી
ગાંધીનગર : ગાંધીનગર શહેરના ફતેપુરામાં મોટા પ્રમાણેમાં દેશી દારૃની હાટડીઓ ચાલી રહી છે ત્યારે દારુ પીધેલી હાલતમાં એસઆરપી જવાને પોલીસ કંટ્રોલને ફોન કરીને દારૃની હાટડીઓ ચાલતી હોવાની બાતમી આપી હતી. જેના પગલે પોલીસ ફતેપુરામાં ત્રાટકી હતી અને બાતમી આપનાર જવાન જ પીધેલો નિકળ્યો હતો જેને ઝડપીને અન્ય ચાર બુટલેગરોની પણ ધરપકડ કરીને ગુનો નોંધ્યો હતો.
ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં દેશી વિદેશી દારુની
હાટડીઓ ચાલી રહી છે ત્યારે ગાંધીનગર શહેરના ફતેપુરામાં ગઇકાલે દારુ પીવા માટે
ગયેલા એસઆરપી જવાને બુટલગેર સાથે માથાકુટ થતા પોલીસને દોડતી કરી દીધી હતી.
રાત્રીના સમયે પોલીસ કંટ્રોલરૃમને તુષાર ગોસ્વામી નામના વ્યક્તિએ ફોન કરીને
સેક્ટર-૧૫માં ખુલ્લેઆમ દારૃ વેચાઇ રહ્યો હોવાની માહિતી આપી હતી. જેના પગલે
કંટ્રોલરૃમે સેક્ટર-૭ પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઇ હતી અને માહિતી આપનાર તુષાર
ગોસ્વામીનો સંપર્ક સાધીને ત્યાં પહોંચી હતી. જો કે, પોલીસ પહોંચી ત્યારે માહિતી આપનાર આ વ્યક્તિ જ દારુ પીધેલો
હોવાનું જણાયું હતું અને પુછપરછમાં તેનું નામ તુષારભારતી રમેશભારતી ગોસ્વામી રહે.
સે-૨૭ સોમેશ્વર સોસા. હોવાનું બહાર આવ્યું હતું.
જે સેક્ટર-૨૭ એસઆરપી ગૃ્રપમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો
હોવાનું પણ સામે આવ્યું હતું. પોલીસે તેને સાથે રાખીને ફતેપુરામાં દરોડો પાડીને
દારૃનો વેપાર કરતા રમતુજી ઉદેસિંહ રાઠોડને દેશી દારૃ સાથે ઝડપી લીધો હતો. આ ઉપરાંત
કાળુંસિંહ ઉદેસિંહ રાઠોડ પાસેથી પણ દારૃ કબ્જે કરીને દારુ વેચાવામાં સંડોવાયેલા
તેના પરિવારજનો સામે પણ ગુનો દાખલ કર્યો હતો.