Gujarat

કોન્ટ્રાકટરોના ૨૦૦ કરોડના નાણાં ન ચૂકવાતા અમદાવાદમાં પ્રાથમિક સુવિધાના કામ ઉપર અસર

By GS Team
15 Dec 20213 mins read
This article was originally published on 15 Dec 2021
કોન્ટ્રાકટરોના ૨૦૦ કરોડના નાણાં ન ચૂકવાતા અમદાવાદમાં પ્રાથમિક સુવિધાના કામ ઉપર અસર

અમદાવાદ,મંગળવાર,14 ડીસેમ્બર,2021

સ્માર્ટ સિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાકટરોને ૨૦૦ કરોડના નાણાં ચૂકવવામાં આવ્યા ના હોવાથી શહેરના તમામ સાત વોર્ડમાં પ્રાથમિક સુવિધાના કામ ઉપર અસર જોવા મળી રહી છે.જે તે વિસ્તારના લોકો ઉપરાંત સ્થાનિક કોર્પોરેટરો દ્વારા પાણી,ડ્રેનેજ લાઈન ઉપરાંત પથ્થર પેવિંગ તેમજ ડીસિલ્ટીંગ જેવી બાબત અંગે તંત્ર સમક્ષ ફરિયાદ કરવા છતાં સમયસર ઉકેલ આવતો નથી.રોડ રીસરફેસ જેવી કામગીરી બાબતમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્રને રાજય સરકારની ગ્રાન્ટ ઉપર આધાર રાખવો પડે એ સ્થિતિ આવી પડી છે.

માર્ચ-૨૦૨૦થી અમદાવાદ શહેરમાં કોરોના મહામારીની શરુઆત થઈ હતી.કોરોનાની પહેલી અને બીજી લહેર દરમ્યાન મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટી તંત્ર તરફથી કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે એ માટે મ્યુનિ.સંચાલિત તેમજ ખાનગી હોસ્પિટલ પાછળ ૬૦૦ કરોડથી વધુની રકમનો ખર્ચ કરવામાં આવ્યો હતો.બાદમાં રાજય સરકાર દ્વારા હોટલ,રેસ્ટોરન્ટ સહિતના કોમર્શિયલ એકમોને વેરાની ભરપાઈ કરવા બદલ જાહેર કરેલી રાહત પેટે મ્યુનિસિપલ તંત્રને સરકાર પાસેથી ૪૮ કરોડની રકમ હજુ લેવાની બાકી નીકળે છે. મ્યુનિ.તંત્રે આપેલી વેરાની રાહતને કારણે ૪૫ કરોડ જેટલી રકમ માફ કરવી પડી છે.

શહેરના સાત ઝોનમાં વર્ષ-૨૦૧૯-૨૦ ના નાણાંકીય વર્ષમાં કોન્ટ્રાકટરો તરફથી કરવામાં આવેલા પાણી,ડ્રેનેજ ઉપરાંત પથ્થર પેવિંગ અને ડ્રેનેજ ડિસિલ્ટીંગ જેવા પ્રાથમિક સુવિધાના કામો પુરા કરાયા બાદ પણ તેમને કામગીરી અંગે પેમેન્ટ તંત્ર તરફથી આપવામાં આવ્યુ ના હોવાથી જે તે ઝોનના કોન્ટ્રાકટરો નવા કામ લેવા ઈન્કાર કરી રહ્યા છે.બીજી તરફ શહેરીજનોની રોજબરોજની ફરિયાદો સમયસર ઉકેલાતી ના હોવાથી શહેરીજનોની મુશ્કેલીમાં વધારો થવા પામ્યો છે.

મ્યુનિસિપલ વહીવટીતંત્રના અધિકારીઓ અને સત્તાધારી પક્ષના હોદ્દેદારોએ દિવાળી પહેલા શહેરના તમામ રસ્તા રીસરફેસ થઈ જશે એવી ગુલબાંગ હાંકી હતી.પરંતુ ૩૦૦થી વધુ મુખ્ય રસ્તાઓ પૈકી ૧૮૬ રસ્તાઓ હાલમાં રીસરફેસ કરવાના બાકી છે.રાજય સરકાર તરફથી સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસ યોજના હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ૯૦ કરોડની રકમ રોડ રીસરફેસની કામગીરી માટે ફાળવી આપી છે.

મધ્ય ઝોનમાં સૌથી વધુ રકમ ચૂકવવાની બાકી

અમદાવાદ શહેરના સાત ઝોનમાં હાથ ધરવામાં આવતા પ્રાથમિક સુવિધાના કામો રેવન્યુ ઉપરાંત કેપિટલ બજેટની ગ્રાન્ટમાંથી હાથ ધરવામાં આવતા હોય છે.મધ્ય ઝોનમાં ૯ કરોડ, દક્ષિણ ઝોનમાં ૭.૫૦ કરોડ,ઉત્તર ઝોનમાં પાંચ કરોડ પશ્ચિમ ઝોનમાં ત્રણ કરોડ, નવા પશ્ચિમ ઝોનમાં બે કરોડ તથા પૂર્વ ઝોનમાં સાત કરોડ જેટલી રકમના પેમેન્ટ કોન્ટ્રાકટરોને દોઢ વર્ષ ઉપરાંતના સમયથી ચૂકવવામાં આવ્યા નથી.કોન્ટ્રાકટરોને નહીં ચૂકવવામાં આવેલા ૨૦૦ કરોડની રકમ પૈકી રેવન્યુ અને કેપિટલ બજેટ હેડ હેઠળ કયા ઝોનમાં કેટલી રકમ કોન્ટ્રાકટરોને ચૂકવવાની બાકી છે એ અંગે મ્યુનિ.તંત્રમાં કોઈ બોલવા તૈયાર નથી.

આવક વધી છતાં ડીપોઝીટની રકમ પરત લવામાં પણ પડતી મુશ્કેલી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્ર તરફથી ટેકસ સહિતની આવકમાં વધારો થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.બીજી તરફ જે તે કામગીરી માટે તંત્ર તરફથી આપવામાં આવતા વર્ક ઓર્ડર કોન્ટ્રાકટર પાસેથી લેવામાં આવતી ડીપોઝિટની રકમ પણ સમયસર તંત્ર તરફથી પરત ના મળતી હોવાનું જાણવા મળ્યુ છે.