GTU ઓનલાઈન પરીક્ષા : માસ્ક વગર 70 મિનિટ કેમેરા સામે બેસવું પડયું
- યુનિ.ની પરીક્ષા માટે ગાઈડલાઈન : 28મીએ પ્રી ચેક ટ્રેલ ટેસ્ટ થશે
- કોલેજમાં પણ વિદ્યાર્થી માસ્ક ન પહેરે, બે મીટર ડિસ્ટન્સ રાખે પેપર વહેલું પૂરૂ થવા છતાં પૂરી પરીક્ષા ફરજિયાત આપવી પડશે
અમદાવાદ, તા. 24 જુલાઇ, 2020, શુક્રવાર
જીટીયુ દ્વારા 30મીથી શરૂ થનારી ઓનલાઈન એમસીક્યુ આધારીત પરીક્ષાઓ માટે કોલેજો-વિદ્યાર્થીઓ માટે ગાઈડલાઈન જાહેર કરાઈ છે.જે મુજબ વિદ્યાર્થીએ 70 મીનિટ સુધી એટલે કે પરીક્ષા પુરી ન થાય ત્યાં સુધી ફરજીયાત માસ્ક વગર વેબ કેમેરા સામે બેસવુ પડશે.ઉપરાંત વિદ્યાર્થીએ વહેલી પરીક્ષા પુરી કરે તો પણ 70 મીનિટ સુધી બેસવુ પડશે અને સબમીશન નહી કરી શકે.
જીટીય ુદ્વારા ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી સહિતના વિવિધ ટેકનિકલ કોર્સમાં તેમજ પીજી ટેકનિકલ કોર્સમા ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને મોડમાં એમસીક્યુ આધારીત પરીક્ષા લેવાનાર છે.જે માટે 70 મીનિટનો સમય નક્કી કરાયો છે અને દિવસ દરમિયાન બે સેશનમાં પરીક્ષા લેવાશે.30મીથી ઓનલાઈન પરીક્ષા શરૂ થનાર છે.
આ પરીક્ષા વિદ્યાર્થીને પર્સનલ ડેસ્કટોપ કે લેપટોપ ઉપરાંત મોબાઈલ-ટેબ્લેટથી આપવાની પણ છુટ અપાઈ હોવાથી ખાસ ગાઈડલાઈન જાહેર કરાઈ છે. કોરોનાને પગલે હાલ ભારે સમગ્ર દેશમાં અને રાજ્યમાં માસ્ક પહેરવુ ફરજીયાત છે પરંતુ જીટીયુની ઓનલાઈન પરીક્ષામાં ઘરે પરીક્ષા આપવા ઉપરાંત કોલેજ ખાતે પણ જો વિદ્યાર્થી પરીક્ષા આપે તો પરીક્ષા દરમિયાન માસ્ક પહેરી નહી શકે.
ગાઈડલાઈન મુજબ કોઈ ડમી વિદ્યાર્થી પરીક્ષા ન આપી શકે તે માટે વેબ કેમેરા સામે પરીક્ષાના પુરા 70 મીનિટ સમય દરમિયાન માસ્ક પહેર્યા વગર બેસવાનું રહેશે અને વિદ્યાર્થીએ એક જ લોકેશનથી પરીક્ષા આપવાની રહેશે ઉપરાંત પરીક્ષા દરમિયાન વધુવાર તે કેમેરાથી દૂર નહી થઈ શકે, કેમેરા સામે પાંચ-પાંચ મીનિટે ઓટોમેટિક ફેસ લોક થશે અને જો વિદ્યાર્થીનો ફેસ વારંવાર ન દેખાય તો ડિસ્કવોલીફાઈ પણ થઈ શકે.
ટેકનિકલ ખામી કે અન્ય કોઈ કારણોસર લોગઆઉટ થઈ જાય તો પણ વિદ્યાર્થીને લોગઈન થવાનો સમય મળશે પરંતુ જે સમય બગડયો હશે તે ફરી નહી મળે અને 70 માર્કસની પરીક્ષામાં 70 પ્રશ્નોમાં 56 ફરજીયાત પ્રશ્ન હશે. કોલેજમાં વિદ્યાર્થી પરીક્ષા આપે તો બે મીટરનું ડિસ્ટન્સ રાખવુ પડશે.
પરીક્ષા સમયે આસપાસ કોઈ પણ ન હોવુ જોઈએ અને એક જ પીસી કે મોબાઈલથી એક જ વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે.વિદ્યાર્થીઓ તમામ ટેકનિકલ બાબતો સમજી શકે તે માટે પીજી,ડિપ્લોમા અને ડિગ્રીમા તમામ સેમેસ્ટરના ઓનલાઈન પરીક્ષા માટે રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓ માટે 28મીએ પ્રી ચેક ટ્રેલ ટેસ્ટ લેવાશે.
પરીક્ષા મોડના ચોઈસ વિકલ્પ પસંદગી માટે મુદ્દત વધારાઈ
ઓનલાઈન કે ઓફલાઈન પરીક્ષા કે પછી સપ્ટેમ્બરમાં પરીક્ષા આપવી છે તે સહિતના વિકલ્પમાંથી કોઈ પણ એક વિકલ્પની પસંદગી માટે 21મીથી વિદ્યાર્થીઓનું ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થયુ છે.જેમાં આજે છેલ્લો દિવસ હતો પણ મુદ્દત એક દિવસ વધારવામા આવી છે.આજ સુધીમં 28 હજારથી વધુ વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષઆ માટે રજિસ્ટર્ડ થયા છે.