Get The App

ગુજરાતની જેલોમાં કેદ ૧૨૦૦ કેદીઓને બે માસ માટે મુક્ત કરાશે

- કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને લીધે લેવાયેલો નિર્ણય

- જેલમુક્ત કરતા પહેલા કેદીઓનું તબીબી પરિક્ષણ થશે ઃ સંક્રમણના લક્ષણો હશે તો આઇસોલેટ કરાશે

Updated: Mar 29th, 2020

GS TEAM

Google News
Google News

અમદાવાદ,રવિવાર

વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કેરને પગલે ગુજરાત સરકારે રાજ્યની જેલોના ૧૨૦૦ કેદીઓને બે માસ માટે પેરોલ-વચગાળાના જામીન પર મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. જેમાં જેલમાં રહેલા પાકા કામના કેદીઓને પેરોલ તેમજ અંડર ટ્રાયલ કાચા કામના કેદીઓને વચગાળાના જામીન અપાશે.

કોરોના કોવિડ-૧૯ વાયરસના સંક્રમણને પ્રસરતું અટકાવવા સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ મુખ્યમંત્રી વિજય રૃપાણી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો  છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે આ નિર્ણયની જાણકારી આપતાં જણાવ્યું હતું કે, 'આ કોરોના કોવિડ-૧૯ વાયરસનું સંક્રમણ જેલોમાં રહેલા કેદીઓમાં ન થાય તે હેતુથી સુપ્રીમ કોર્ટે દિશા-નિર્દેશ આપેલા છે. આ દિશા-નિર્દેશ અનુસાર રાજ્યની જેલોમાં રહેલા પાકા કામના અને કાચા કામના મળીને કુલ ૧૨૦૦ કેદીઓને બે માસ માટે મુક્ત કરવાની નિયમાનુસાર થતી જરૃરી કાર્યવાહી કરવાની ગૃહ વિભાગને સૂચના આપી દેવાઇ છે.

જેલોમાં રહેલા પાકા કામના કેદીઓને પેરોલ તેમજ અંડર ટ્રાયલ કાચા કામના કેદીઓને વચગાળાના જામીન અપાશે. આ કેદીઓને જેલ મુક્ત કરતાં અગાઉ તમામનું તબીબી પરિક્ષણ કરાશે. આ ઉપરાંત જો કોઇ કેદીમાં તાવ-શરદી કે અન્ય સંક્રમણના લક્ષણો જણાશે તો તેમને આઇસોલેટ કરાશે. કેદીઓને ઘરે મોકલવાની વ્યવસ્થા જેલ તંત્ર દ્વારા જ કરવામાં આવશે. '

ગુજરાતની જેલોમાં ક્ષમતા કરતા વધુ કેદીઓ

એનસીઆરબીના વર્ષ ૨૦૧૬ના અહેવાલ અનુસાર ગુજરાતની ૨૭ જેલોમાં ૧૨૪૩૮ કેદીઓ છે. આમ, ગુજરાતની જેલમાં તેની ક્ષમતા કરતાં વધુ કેદીઓનું પ્રમાણ ૧૦૦.૪% છે. 

Tags :