Get The App

ગુજરાતમાં કોરોનાના વધુ 1052 કેસ : 1015 દર્દીઓ ડિસ્ચાર્જ

- 13146 એક્ટિવ કેસ, 81 દર્દી વેન્ટિલેટરમાં : 22ના મૃત્યુ

સુરતમાં સૌથી વધુ 258 સાથે કુલ કેસનો આંક હવે 12 હજારની નજીક : વડોદરામાં 96, રાજકોટમાં 74 નવા કેસ

Updated: Jul 27th, 2020

GS TEAM

Google News
Google News

અમદાવાદ, સોમવાર

ગુજરાતમાં કોરોના વાયરસના ૧ હજારથી વધુ દૈનિક કેસ નોંધાવવાનો ક્રમ સતત સાતમા દિવસે યથાવત્ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૦૫૨ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૫૬૮૭૪ થયો છે. રાહતની વાત એ છે કે છેલ્લા ચાર દિવસથી કોરોનાના કેસ સતત નવા વિક્રમી સપાટી વટાવી રહ્યા હતા તેમાં બ્રેક લાગી છે. ગુજરાતમાં હાલ ૧૩૧૪૬ એક્ટિવ કેસ છે અને ૮૧ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૨ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે ૨૩૪૮ થયો છે.

છેલ્લા ૨૪ કલાકમાં સુરત શહેરમાં ૨૦૪-ગ્રામ્યમાં ૫૪ એમ કુલ ૨૫૮ નવા કેસ નોંધાયા હતા. સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૧૧૯૩૦ છે. આ પૈકી ૭૧૦૧ કેસ માત્ર જુલાઇના ૨૭ દિવસમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં ૧૪૪-ગ્રામ્યમાં ૪૦ એમ કુલ ૧૮૦ નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૨૫૮૭૬ થયો છે. આમ, કુલ કેસનો આંક સુરતમાં ૧૨ હજાર જ્યારે અમદાવાદમાં ૨૬ હજારની નજીક છે. અમદાવાદમાં જુલાઇના ૨૭ દિવસમાં કુલ ૪૯૬૩ કેસ નોંધાયા છે. ગુજરાતના અન્ય જિલ્લાઓ કે જ્યાં વધુ કેસ નોંધાયા તેમાં ૯૬ સાથે વડોદરા, ૭૪ સાથે રાજકોટ, ૩૪ સાથે ગાંધીનગર, ૩૩ સાથે ભાવનગર, ૩૦ સાથે સુરેન્દ્રનગર, ૨૭ સાથે દાહોદ-પાટણ,૨૨ સાથે અમરેલી, ૧૯ સાથે બનાસકાંઠાનો સમાવેશ થાય છે. 

છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી સૌથી વધુ ૯, અમદાવાદમાંથી ૪, વડોદરામાંથી ૩, પાટણમાંથી ૨ જ્યારે જુનાગઢ-મહેસાણા-પંચમહાલમાંથી ૧-૧ વ્યક્તિના મૃત્યુ થયા હતા.  કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૧૫૭૯, સુરતમાં ૩૬૭, વડોદરામાં ૭૨, પાટણમાં, ૨૬, જુનાગઢમાં ૧૧, મહેસાણા-પંચમહાલમાં ૧૭ છે. ગુજરાતમાંથી છેલ્લા ૨૪ કલાકમાં વધુ રાજ્યના ૧૦૪૫-અન્ય રાજ્યના ૭ એમ કુલ ૧૦૫૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૪૬૩, સુરતમાંથી ૧૮૪, વડોદરામાંથી ૪૩, રાજકોટમાંથી ૨૧ દર્દીઓ છેલ્લા ૨૪ કલાકમાં સાજા થયા છે. ગુજરાતમાંથી અત્યારસુધી કુલ ૪૧૩૮૦ દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે.

સોમવારે મોડી સાંજ સુધીમાં કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત આઠમાં સ્થાને છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૩.૮૩ લાખ, તમિલનાડુમાં ૨.૨૦ લાખ જ્યારે દિલ્હીમાં ૧.૩૧ લાખ નવા કેસ નોંધાયેલા છે. 

 

૨૪ કલાકમાં જ વધુ ૧.૦૮ લાખ વ્યક્તિ ક્વોરેન્ટાઇન

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હાલ ૪,૭૩,૨૯૯ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. આ પૈકી ૪.૭૧ લાખ વ્યક્તિ ક્વોરેન્ટાઇન છે. રવિવાર સુધી ગુજરાતમાં ક્વોરેન્ટાઇન વ્યક્તિઓની સંખ્યા ૩,૬૪,૫૧૮ હતી. આમ, ૨૪ કલાકમાં ક્વોરેન્ટાઇન વ્યક્તિઓની સંખ્યામાં ૧,૦૮,૭૮૧નો વધારો નોંધાયો છે.

 

૨૪ કલાકમાં રેકોર્ડ ૨૫૪૭૪ ટેસ્ટ

ગુજરાતમાં આખરે કોરોનાના ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૫૪૭૪ કોરોના ટેસ્ટ કરાવામાં આવ્યા હતા. આ સાથે જ ગુજરાતમાં હવે કુલ ૬,૬૭,૮૪૪ ટેસ્ટ થઇ ચૂક્યા છે. જુલાઇના ૨૭ દિવસમાં કુલ ૨,૯૪,૨૩૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

 

સૌથી વધુ કેસ ધરાવતા રાજ્યોમાં છેલ્લા ૨૪ કલાકમાં કરાયેલા ટેસ્ટ

રાજ્ય          ટેસ્ટ

મહારાષ્ટ્ર       ૩૮૦૭૭

તમિલનાડુ      ૬૩૨૫૦

દિલ્હી           ૧૧૫૦૬

આંધ્ર પ્રદેશ     ૪૩૧૨૭

કર્ણાટક         ૨૮૨૨૪

ઉત્તર પ્રદેશ     ૧,૦૬,૯૬૨

પશ્ચિમ બંગાળ     ૧૭૦૦૫

ગુજરાત            ૨૫૪૭૪

તેલંગાણા           ૯૮૧૭

 

Tags :