ગુજરાતના 31 જિલ્લામાં 965ને કોરોના સંક્રમણ, 20ના મૃત્યુ
- ગુજરાતમાં 4 જુલાઇ બાદ સૌથી વધુ દૈનિક મૃત્યુ નોંધાયા : કુલ મરણાંક હવે 2146
- અમદાવાદમાં 212 સાથે 16 દિવસે સૌથી વધુ દૈનિક કેસ નોંધાયા: સુરતમાં 285 કેસ-9ના મૃત્યુ સાથે ચિંતાજનક સ્થિતિ
અમદાવાદ, રવિવાર
ગુજરાતમાં કોરોના
વાયરસના કેસનો ગ્રાફ દિવસેને દિવસે વધુ ઊંચે જઇ રહ્યો છે અને ચિંતાજનક સ્થિતિ સર્જાઇ
રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ ૯૬૫ કેસ નોંધાયા હતા અને જેની સાથે જ
કુલ કેસનો આંક હવે ૪૮૪૪૧ થઇ ગયો છે. આ ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં ૨૦ વ્યક્તિના કોરોનાથી
મૃત્યુ થયા હતા. જે ગુજરાતમાં ૪ જુલાઇ બાદ નોંધાયેલો સૌથી વધુ દૈનિક મૃત્યુઆંક છે.
અત્યારસુધી ગુજરાતમાંથી ૨૧૪૬ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં
ડાંગ-દેવભૂમિ દ્વારકા સિવાય તમામ જિલ્લાઓમાં કોરોનાના નવા કેસ નોંધાયા હતા.
અમદાવાદમાં કોરોના
વાયરસના કેસની ઝડપને છેલ્લા બે સપ્તાહથી બ્રેક લાગી હતી અને ૨૦૦થી ઓછા દૈનિક કેસ નોંધાઇ
રહ્યા હતા. જોકે, છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું છે
અને વધુ ૨૧૨ નવા કેસ નોંધાયા હતા. અમદાવાદમાં દૈનિક કેસનો આંક ૨૦૦થી વધુ નોંધાયો હોય
તેવું ૩ જુલાઇ બાદ પ્રથમવાર બન્યું છે. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક
હવે ૨૪૩૭૫ થયો છે. બીજી તરફ સુરતમાં કોરોનાના કેસની ગતિ થંભવાનું જાણે નામ જ લઇ રહી
નથી. છેલ્લા ૨૪ કલાકમાં સુરત શહેરમાં ૨૦૬-સુરત ગ્રામ્યમાં ૭૯ એમ કુલ ૨૮૫ કેસ નોંધાયા
હતા. આ સાથે જ સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક ૯૬૯૪ થઇ ગયો છે. સુરતમાં ૩૦ જૂન સુધી
કોરોનાના કુલ કેસનો આંક ૪૮૨૯ હતો. જ્યારે જુલાઇના ૧૯ દિવસમાં જ નવા ૪૮૬૫ કેસ નોંધાઇ
ચૂક્યા છે.
છેલ્લા ૨૪ કલાકમાં
વડોદરા શહેરમાં ૬૭-ગ્રામ્યમાં ૧૨ એમ કુલ ૭૯ કેસ નોંધાયા હતા. વડોદરામાં કોરોનાના કુલ
કેસનો આંક હવે ૩૫૮૭ થઇ ગયો છે. રાજ્યના અન્ય જિલ્લાઓ કે જ્યાં કોરોનાના વધુ કેસ નોંધાયા
તેમાં ૪૯ સાથે રાજકોટ, ૩૫ સાથે ભાવનગર, ૩૦ સાથે ગાંધીનગર, ૨૨ સાથે મહેસાણાનો સમાવેશ
થાય છે. હાલ રાજ્યમાં ૧૧૪૧૨ એક્ટિવ કેસ છે અને જેમાંથી ૬૯ દર્દીઓ વેન્ટિલેટર પર છે.
છેલ્લા ૨૪ કલાકમાં
સુરતમાંથી ૯, અમદાવાદમાંથી ૬, દાહોદમાંથી ૨, ભાવનગર-ગીર સોમનાથ-જામનગરમાંથી ૧-૧ વ્યક્તિના
કોરોનાથી મૃત્યુ થયા હતા. આમ, કોરોનાથી કુલ મૃત્યુઆંક હવે અમદાવાદમાં ૧૫૫૦ જ્યારે સુરતમાં
૨૫૪ થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૭૭ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. આ સાથે જ ગુજરાતમાં
ડિસ્ચાર્જ થનારા કુલ દર્દીઓનો આંક હવે ૩૪૮૮૨ થઇ ગયો છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં
વધુ ૧૨૩૨૩ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૫,૩૬,૬૨૦ થયો છે. ગુજરાતમાં હાલ ૩.૯૬ લાખ
વ્યક્તિ ક્વોરન્ટાઇન હેઠળ છે.
અમદાવાદમાં જુલાઇમાં
નોંધેયાલા સર્વોચ્ચ દૈનિક કેસ
તારીખ કેસ
૧ જુલાઇ ૨૧૫
૧૯ જુલાઇ ૨૧૨
૨ જુલાઇ ૨૧૧
૩ જુલાઇ ૨૦૪
૧૮ જુલાઇ ૧૯૯
૭ જુલાઇ ૧૮૭
કોરોનાના વધુ
કેસ : ગુજરાત હવે સાતમાં સ્થાને
કોરોનાના કુલ
સૌથી વધુ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત હવે સાતમાં સ્થાને આવી ગયું છે. મહારાષ્ટ્ર સૌથી
વધુ ૩.૧૦ લાખ, તામિલનાડુ ૧.૭૦ લાખ, દિલ્હી ૧.૨૨ લાખ, કર્ણાટક ૬૩૭૭૨, આંધ્ર પ્રદેશ ૪૯૬૫૦,
ઉત્તર પ્રદેશ ૪૯૨૪૭ જ્યારે ગુજરાત હવે ૪૮૪૪૧ કેસ ધરાવે છે.
ગુજરાતમાં કોરોનાથી
દૈનિક સૌથી વધુ મૃત્યુ
તારીખ મૃત્યુ
૧ જુલાઇ ૨૧
૪ જુલાઇ ૨૧
૧૯ જુલાઇ ૨૦
૨ જુલાઇ ૧૯
૧૮ જુલાઇ ૧૯