રાજ્યના 24 જિલ્લામાં પહોંચ્યો કોરોના, ગુજરાતમાં આજે સૌથી વધારે કેસ નોંધાયા
અમદાવાદ, તા. 16 એપ્રીલ 2020, ગુરુવાર
ગુજરાતમાં કોરોનાનું સંકટ વધુને વધુ ઘેરુ બનતું જાય છે. ગુજરાતમાં સવારથી સાંજ સુધીમાં નવા 58 કેસ નોંધાય ચૂક્યા છે. જેમાંથી એકલા અમદાવાદમાં સવારથી સાંજ સુધીમાં 53 કેસ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 95 કેસ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 163 કેસ નોંધાઇ ચૂક્યા છે. જ્યારે કુલ કેસ 929 સામે આવ્યા છે. હાલમાં ગંભીર સ્થિતી હોય તેવા 8 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં કોરોના સામે લડાઇ લડતા કોરોના વોરિયર્સ પણ હવે કોરોનાના સંકટથી બચી શકયા નથી. જેમાં પોલીસ, ડોકટર, નર્સ, તેમજ કોર્પોરેશનના મળીને કુલ 28 લોકો કોરોનાની ઝપટમાં આવી ગયા છે. તો રાજયમાં અત્યારસુધીમાં કુલ 73 લોકો સાજા થઇ ગયા છે.
15 વર્ષીય બાળકીનો રિપોર્ટ પોઝિટીવ
અમદાવાદના માંડલ તાલુકાના ઉઘરોજપુરા ગામે 15 વર્ષીય બાળકીને કોરોના પોઝિટિવ આવ્યો. 15 વર્ષીય બાળકીને ગઈકાલે બીમારીના કારણે દેત્રોજ હોસ્પિટલ ખસેડાઇ હતી. જેને કોરોના રિપોર્ટ શંકાસ્પદ લાગતા ચેકઅપ માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી. જ્યારે આજે બાળકીને કોરોના પોઝિટિવ આવતા પંથકમાં ખડભળાટ મચી ગયો હતો. માંડલ આરોગ્ય ટીમ દ્વારા ઘરના લોકોને સર્વે કરી હોમ કવોરન્ટીન કરવામા આવ્યા હતા. મેડિકલ ટીમ દ્વારા આજુબાજુમાં સર્વે હાથ ધરાયું હતુ. વિઠલાપુર પોલીસ દ્વારા ગામમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
352 જિલ્લાઓને 20 એપ્રિલે લોકડાઉન ખુલવાની આશા
કોરોના વાયરસ વિરુદ્ધ ચાલી રહેલી લડાઈમાં દેશના 27 જિલ્લાઓમાંથી ખુબ સારા સમાચાર આવ્યા છે. જુદા જુદા 17 રાજ્યોના 27 જિલ્લાઓમાંથી કોરોનાને લઈને ખૂબજ સારા સમાચાર મળ્યા છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આજે જણાવ્યું છે કે આ 17 રાજ્યોના 27 જિલ્લાઓમાં છેલ્લા 14 દિવસથી કોઈ નવા કોરોના પોઝીટીવ કેસ આવ્યા નથી.
કોરોના વિશે ડેઇલી પ્રેસની બ્રીફિંગ દરમિયાન લવ અગ્રવાલે બીજી સારી વાત કહી હતી કે આજ સુધી 325 જિલ્લાઓમાં કોરોનાનો કોઈ કેસ નોંધાયો નથી. એટલે જો 27 જિલ્લાઓની સ્થિતિ અંકુશ હેઠળ રહે છે, તો અત્યાર સુધીમાં કોરોનામુક્ત રહેલા 325 અને આ 27 જિલ્લાઓ મળીને કુલ 352 જિલ્લાઓમાં 20 એપ્રિલ પછીથી લોકડાઉનથી થોડી રાહત આપી શકાય છે.