ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા હોમ ક્વોરન્ટાઇન
- પેટા ચૂંટણી માટે ગઢડાની જવાબદારી સોંપાઇ છે
- કોરોના સંક્રમિત પશુપાલન વિભાગના ઉચ્ચ અધિકારી સાથે મીટિંગ કરી હતી
અમદાવાદ, તા. 01 ઓગસ્ટ, 2020, શનિવાર
ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને હોમ ક્વોરેન્ટાઇન થવું પડયું છે. તેઓ તાજેતરમાં કોરોના સંક્રમિત પશુપાલન નિયામકના સંપર્કમાં આવ્યા હતા અને જેના કારણે સાવચેતીના ભાગરૂપે જસદણના અમદુપુરામા હોમ ક્વોરેન્ટાઇન થયા છે.
ગુજરાતના સરકારી અધિકારીઓમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. બે દિવસ અગાઉ જયદ્રથસિંહ પરમારની ઓફિસના ક્લાર્કને કોરોના પોઝિટિવ આવ્યો હતો. હવે કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાના પત્ની કે જેઓ સરકારના પશુપાલન વિભાગના ઉચ્ચ અધિકારી છે તેઓને પણ કોરોના સંક્રમણ થયું છે.
બે દિવસ અગાઉ તેઓએ રાજ્યના કેબિનેટ પશુપાલન મંત્રી કુંવરજી બાવળિયા સાથે મીટિંગ કરી હતી. જેના કારણે કુંવરજી બાવળિયાને જસદણના અમરાપુરમાં હોમ ક્વોરેન્ટાઇન થવું પડયું છે. કુંવરજી બાવળિયાને ગઢડા પેટા ચૂંટણીની જવાબદારી સોંપાઇ છે. તેઓ ટૂંક સમયમાં ગઢડા જવાના હતા.
જોકે, હવે તેમનો ગઢડા પ્રવાસ મોકૂફ રખાયો છે. આ ઉપરાંત સી.જે.ચાવડા સહિત તેમના પરિવારના સદસ્યો પણ હોમ ક્વોરેન્ટાઇન થયા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પશુપાલન વિભાગના સેક્શન ઓફિસરનું કોરોનાથી અવસાન થયું હતું. પશુપાલન વિભાગની ઓફિસને પણ સેનિટાઇઝ કરવામાં આવી છે.