GTUની ઓનલાઇન પરીક્ષામાં છબરડો, વિદ્યાર્થીઓનો ડેટા લીક થયો
- મોટાપ્રમાણમાં વિદ્યાર્થિનીઓના ફોટો અને આઇડી જાહેર થયા
અમદાવાદ, તા. 30 જુલાઇ 2020, ગુરૂવાર
કોરોના મહામારીને પગલે હાલ દેશમાં ઓનલાઇન સ્કૂલ અને કોલેજ ચાલી રહીં છે. દરમ્યાન આજે જીટીયુની ઓનલાઇન પરીક્ષા શરૂ થવાની હતી. જોકે, આ પહેલા બે દિવસ અગાઉ લેવાયેલી પ્રેક્ટીસ ટેસ્ટનો ડેટા લીક થવાની વિગતો સામે આવી છે. જેમાં વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સ અને આઇડી પ્રૂફ જેવા કે ડ્રાઇવિંગ લાયસન્સ, આધારકાર્ડ, પાનકાર્ડ, કોલેજ આઇડી અને ચૂંટણીકાર્ડ સહિતના ઓળખ દર્શાવતા દસ્તાવેજો જોઇ શકાય છે.
gtu-examના નામે ભળતી વેબસાઇટ તૈયાર કરીને 1200થી વિદ્યાર્થીઓના ડેટા લીક કરાયા છે. જેમાં સૌથી વધું વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. ડેટા લીક થયાની વિગત મામલે GTU ના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરી છે.
વિદ્યાર્થીઓના ડેટા લીક થવાને લઇને સોશિયલ મીડિયામાં રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે જો અમારો અંગત ડેટા હેકર્સના હાથમાં આવી ગયો તો સામાજિક અને આર્થિક દ્રષ્ટીઓ મોટુ નુકસાન અમારે સહન કરવું પડશે. બીજી તરફ આ અંગે જીટીયુઓના સત્તાધીશો તરફથી કોઇ સત્તાવાર નિવેદન કે ખુલાસો સામે આવ્યો નથી.
ઓનલાઈન પરીક્ષા પ્રથમવાર લેવાતી હોય આ પરીક્ષા માટે સજા અલગથી નિયમો નક્કી કરાયા છે અને બુધવારના રોજ જાહેર કરવામા આવ્યા હતા.
ઓનલાઈન પરીક્ષામાં સજા માટે અલગથી નિયમો નક્કી કરાયા
યુનિ.દ્વારા ઓનલાઈન પરીક્ષા પ્રથમવાર લેવાતી હોય આ પરીક્ષા માટે સજા અલગથી નિયમો નક્કી કરાયા છે અને આજે જાહેર કરવામા આવ્યા છે.જુદી જુદી પાંચ કેટેગરી નક્કી કરવામા આવી છે.જેમા પ્રથમ કેટેગરીમાં વિદ્યાર્થી જો કેમેરા સામે સાહિત્ય સાથે પકડાશે કે ઈશારો કરતા પકડાશે તો જે તે વિષયનું પરિણામ રદ થશે.જ્યારે વિદ્યાર્થી કેમેરા સામે ઘણા સમય સુધી ન દેખાય કે કોઈ પણ ગેરરીતિ કરતા પકડાય કે તેનું પરીક્ષાનું ડિવાઈઝ ટીવી, મોબાઈલકે યુએસબી સહિતના અન્ય ડિવાઈઝ સાથે જોડાયેલુ દેખાશે તેમજ મલ્ટીપલ ડિવાઈઝથી પરીક્ષા આપી હશે કે કેમેરા સામે કોઈ વધુ પડતો અવાજ સંભાળશે અને કોઈ જવાબો લખાવતુ હશે તેવુ જણાશે તો આખા સેમેસ્ટરનું પરિણામ રદ થશે.
કોપી પેસ્ટ કરવા પર પણ સેમેસ્ટર રદ્દ કરાશે
આ ઉપરાંત વેબસાઈટ કે અન્ય જગ્યાએ કોપી પેસ્ટ કરીને જવાબો લખાયેલા દેખાશે તેમજ અન્ય વિદ્યાર્થી સાથે મળીને સીધી રીતે ચોરી કરેલી દેખાશે તો ચાલુ સેમસ્ટરનું પરિણામ રદ કરી આગામી સેમેસ્ટર માટે પણ પરીક્ષા આપવા પર પ્રતિબંધ મુકાશે.
ડમી વિદ્યાર્થી પકડાશે તો ચાર સેમેસ્ટર માટે પરીક્ષા માટે ગેરલાયક
ચોથી કેટેગરીમાં પરીક્ષા માટે નોંધાયેલ વિદ્યાર્થીની જગ્યાએ કોઈ અન્ય વિદ્યાર્થી પરીક્ષા આપતા જણાશે કે ડમી વિદ્યાર્થી પકડાશે તો ચાર સેમેસ્ટર માટે પરીક્ષા માટે ગેરલાયક ઠેરવી ડિબાર્ડ કરવામા આવશે અને બે વર્ષ સુધી પરીક્ષા આપી નહી શકાય.જ્યારે પાંચમી કેટેગરી હેઠળ અગાઉની ચારેય કેટેગરી સિવાયની કોઈ પણ ગંભીર ગેરરીતિ જણાય તો યુએફએમ કમિટી સમક્ષ કેસ મુકાશે.