સુભાષબ્રિજ પાસેથી યુવકને આંતરીને રૂપિયા 27 લાખના સોના-ચાંદીની લૂંટ
રાજસ્થાનના બાડમેરના જ્વેલર્સને ત્યાં નોકરી કરતો યુવક અમદાવાદથી સોના-ચાંદીની લગડી લઇ રાજસ્થાન જવા માટે સુભાષબ્રિજ પર આવ્યો હતો
અમદાવાદ : રાજસ્થાનના બાડમેર ખાતે સોના-ચાંદીનો વ્યવસાય કરતા સોનીને ત્યાં નોકરી કરતો યુવક ગુરૂવારે સવારે અમદાવાદ માણેક ચોક અને દરિયાપુર ખાતેથી રૂપિયા 27 લાખની કિંમતના સોના-ચાંદીના બિસ્કીટ લેવા માટે આવ્યો હતો. બાદમાં ેરાજસ્થાન જવા માટે સુભાષબ્રીજ ખાતે પહોંચ્યો ત્યારે બે અજાણ્યા શખ્સો તેને આંતરીને તમામ મુદ્દામાલની લૂંટ કરીને નાસી ગયા હોવાની ફરિયાદ રાણીપ પોલીસ મથકે નોંધવામાં આવી છે.
રાજસ્થાન બાડમેરમાં રહેતા ધર્મપાલ સોની જ્વલર્સ તરીકે વ્યવસાય કરે છે. આ સાથે તે બુલિયન વ્યવસાયને લગતુ પણ કામકાજ કરે છે. જેથી નિયમિત રીતે અમદાવાદથી સોના-ચાંદીના બિસ્કીટ લાવવા માટે તેમજ અન્ય કામકાજ માટે તેમણે બાડમેરમાં રહેતા પવન શર્મા નામના યુવકને છેલ્લાં સાત મહિનાથી નોકરીમાં રાખ્યો હતો.
બુધવારે તમને બુલિયનના કારોબાર માટે સોનાના બિસ્કીટની જરૂર પડતા તેમણે અમદાવાદ સી.જી રોડ ખાતે આવેલા સુપર મોલમાં કરૂણા બુલિયનના નામે વેપાર કરતા સતીષભાઇ શાહને તેમણે આરટીજીએસથી 100-100 ગ્રામના સોનાના પાંચ બિસ્કીટ માટે નાણાં ચુકવી આપ્યા હતા.
તેમજ અમદાવાદમાં જ માણેક ચોકમાંથી અન્ય જ્વેલર્સને ત્યાંથી પણ ચાર કિલો ચાંદી લેવાની હોવાથી રૂપિયા અઢી લાખની રોકડ તેમજ વધારાના નાણાં લઇને પવન શર્માને ગુરૂવારે બાડમેરથી અમદા વાદ ખાતે મોકલ્યો હતો. જેમાં સાંજે માણેક ચોક પહોંચીને કરૂણા બુલિયનની અન્ય બ્રાંચમાંથી સોના પાંચ બિસ્કીટ લીધા હતા. બાદમાં નજીકમાં આવેલી દુકાનમાં રૂપિયા અઢી લાખ ચુકવીને ચાર કિલો ચાંદી લીધી હતી.
બાદમાં રીક્ષામાં બેસીને કાલુપુરથી બાડમેરની પકડવા માટે રીક્ષામાં બેઠો હતો. પણ બસ ન મળતા તે સુભાષબ્રીજથી બસમાં બેસવા માટે અન્ય રીક્ષામાં બેસીને એસબીઆઇ બેંક નજીક ઉતર્યો હતો. જો કે આ દરમિયાન બે અજાણ્યા લોકો તેની પાસે આવ્યા હતા અને પવન શર્મા કઇ સમજે તે પહેલાં જ સોના-ચાંદીના બિસ્કીટ અને અન્ય જરૂરી દસ્તાવેજ ભરેલો થેલો લઇને નાસી ગયા હતા.
જેથી તેણે તરત જ બાડમેર ખાતે ફોન કરીને સમગ્ર હકીકત જણાવતા ધર્મપાલ સોની અમદાવાદ આવી પહોંચ્યા હતા અને રાણીપ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આ સમગ્ર ઘટનામાં પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. તેમજ જે રૂટ પરથી પવન શર્મા આવ્યો હતો. ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે.