વહુએ કોરોના માટે ફંડ આપતા 88 વર્ષના સાસુએ પણ પોતાનું પેન્શન રાહત ફંડ માં આપી દીધું
- PM ના માતા હીરાબા એ 25000 આપ્યા બાદ વધુ એક હીરાબા એ પોતાની પેન્શન બચત ના 30 હજાર આપ્યા
અમદાવાદ, તા. 10 એપ્રીલ 2020, શુક્રવાર
તાજેતરમાં વડાપ્રધાન મોદીના માતા હીરાબાએ તેમની બચત માંથી 25000 રૂપિયા કોરોના માટે પીએમ કેર્સ ફંડ માં આપ્યા છે ત્યારે રાજ્યમાંથી વધુ એક હીરાબાએ તેમની પેન્શન બચત માંથી 30 હજાર રૂપિયા સીએમ રાહત ફંડ માં આપ્યા છે.
અમદાવાદના મણિનગરમાં રહેતા 88 વર્ષના હીરાબેન પટેલ મૂળ પાટણ જિલ્લાના સંડેર ગામના વતની છે. તેઓએ રાજ્ય સરકારની જિલ્લા પંચાયત હસ્તક સરકારી પ્રાથમિક શાળાના આચાર્યા તરીકે ફરજ બજાવી હતી અને છેલ્લે કેળવણી નિરીક્ષક તરીકે 1990માં નિવૃત્ત થયાં ત્યારે તેમની કુલ નોકરી 40 વર્ષ 2 માસ જેટલી પૂર્ણ થઈ હતી.
હીરાબેન કહે છે કે હું નિવૃત્ત થઇ ત્યારે મારો પગાર 3000/- ( ત્રણ હજાર )રૂપિયા પણ નહોતો પણ આજે નિવૃત્તિના ત્રીસ વર્ષે એટલે કે મારી 88 વર્ષની ઉંમરે માસિક પેન્શન કુલ 30000/- રૂપિયા જેટલું થાય છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કોરોના સામેની લડાઇ લડવા દરેક વ્યક્તિ થી માંડી દરેક સંસ્થા જુદી જુદી રીતે મદદ કરી રહી છે અને મારી પુત્રવધુએ કોરોના માટે 25000 ની સહાય આપી ત્યારે મને પણ થયું કે હું મારા પેન્શન ખાતા માંથી એક માસનું પેન્શન 30 હજાર સરકારને આપું. મને ખુશી છે કે મારું પેન્શન આજે આપણા સમાજ , આપણા રાજ્ય અને દેશહિતના કામ માટે વપરાઇ રહ્યું છે.
અગાઉ રાજ્ય સરકારની અપીલને માન આપી નવા નરોડા ગુજરાતી પ્રાથમિક શાળાના આચાર્યા રશ્મિબેન પટેલ તરફથી મુખ્યમંત્રી રાહત ફંડમાં 25000 રૂપિયા જેટલું ફંડ આપવામાં આવ્યું હતું જેઓ હીરાબેનના પુત્રવધૂ છે. આમ સાસુ-વહુ બંને દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં ફંડ આપવામાં આવ્યુ છે.