રાંધણગેસ સિલિન્ડર બ્લાસ્ટ દુર્ઘટનામાં ઈજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત
કાલોલ તાલુકાના રામનાથ ગામે
કુલ ૨૨ ઈજાગ્રસ્તો પૈકી ૮ને વડોદરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતાં
કાલોલ,હાલોલ: કાલોલ તાલુકાના રામનાથ ગામમાં રાંધણ ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થવાની દુર્ઘટનામાં દાઝી ગયેલા ૨૨ ઈજાગ્રસ્તો પૈકીના વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા યુવાનનું ગુરુવારે સવારે મોત નિપજતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
રામનાથ ગામના રાવળ ફળિયામાં રહેતા જયંતીભાઈ પૂજાભાઈ રાવળના મકાનમાં ગત રવિવારે સાંજે રાંધણ ગેસ સિલિન્ડરમાં લીકેજ બાદ જોરદાર બ્લાસ્ટ થયો હતો. જેમાં ઘરના સભ્યો અને અડોશપાડોશમાં રહેતા કુલ ૨૨ વ્યક્તિઓ દાઝી ગયા હતાં. જે પૈકીના ૧૪ને ગોધરા સિવિલ હોસ્પિટલમાં જ્યારે ગંભીર રીતે દાઝેલા ૮ ઈજાગ્રસ્તા ેને વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતાં. વડોદરા ખાતે છેલ્લા ૪ દિવસથી સારવાર હેઠળ રહેલા લાલભાઈ દામજીભાઈ પરમાર (ઉ.વ ૪૫)નું આજે સવારે કરૂણ મોત નિપજ્યું હતું.
જે અંગે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ ગેસ સિલિન્ડરમાં આગ લાગી ત્યારે આગ બુઝાવવા માટે મદદ કરવા દોડી ગયેલા લાલભાઈ બ્લાસ્ટ સમયે સૌથી નજીકમાં હતાં. જેથી તેઓ સૌથી વધુ દાઝી ગયા હતા. લાલભાઈ પરમારના મોત અંગે કાલોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.